• 100થી વધુ ઘરોમાં વરસાદી પાણી ઘૂસી જતા ઘરવખરીને વ્યાપક નુકસાન

  • 50 જેટલા અબોલ જીવો તણાયા : સતત 5 કલાક વરસાદમાં ગામ જળમગ્ન બન્યું
  •  રાજકોટ તાલુકાના ખારચીયા ગામની પરિસ્થિતિ જૂનાગઢ શહેરની માફ્ક ભયંકર બની

સૌરાષ્ટ્રમાં શ્રીકાર મેઘવર્ષા થઇ રહી છે પરંતુ મેઘરાજા રૌદ્ર સ્વરૂપે ત્રાટકે ત્યારે તારાજી સર્જે છે. આજે રાજકોટ તાલુકાના ખારચીયા ગામની પરિસ્થિતિ જૂનાગઢ શહેરની માફ્ક ભયંકર બની હતી. અહીં સતત 5 કલાક વરસેલા વરસાદથી સર્વત્ર જળબંબાકાર સર્જાયો હતો અને ગામ જળમગ્ન બનતા 10 ફૂટ જેટલા પાણી ભરાઈ ગયા હતા તો 50 કાચા મકાનો ધરાશાયી થઇ ગયા હતા.

સરધાર પાસે આવેલા ખારચીયા ગામમાં 15 થી 17 ઈંચ વરસાદ વરસી જતા મોટાદડવા પાસે આવેલો કરમાળ ડેમ માત્ર 15 મિનીટમાં ઓવરફ્લો થઇ ગયો હતો. ડેમના સાત દરવાજા 16 ફૂટે ખુલ્લા મુકાતા ધસમસતા પ્રવાહમાં એક જ પરિવારમાં માતાનું મૃત્યુ નીપજ્યું હતું. પુત્ર લાપતા બન્યો તો પિતા ઝાડ પકડી લટકી રહેતા બચી ગયા હતા.

ખારચીયાના સરપંચ વેલજીભાઈ મુંધવા જણાવે છે કે, 3,000 ની વસ્તી ધરાવતા રાજકોટ તાલુકાના આ ગામમાં 12 ઈંચથી વધુ વરસાદ વરસી ગયો હતો. જોકે તેમાં અડધા ભાગમાં એટલે કે ઉતર ભાગમાં તારાજી સર્જાઈ હતી. શનિવારે રાત્રે 3 વાગ્યાથી રવિવારે સવારે 8 વાગ્યા સુધી ધોધમાર વરસાદ વરસ્યો હતો. જેને લીધે 50 કાચા મકાનો પડી ગયા તો 100 જેટલા મકાનોમાં પાણી ઘૂસી જતા લોકોના ઘરમાં પડેલું અનાજ, તેલ, ઘઉં સહિતની ઘરવખરી પલળી ગઈ હતી. 50 જેટલા પશુ તણાઈ ગયા હતા. જોકે ગામના જ 30 યુવાનોની ટીમ તેમજ બચાવ કાર્ય ટુકડીની મદદથી એક પણ વ્યક્તિને જાનહાનિ થઇ ન હતી. સવારે કેબીનેટ મંત્રી ભાનુબેન બાબરીયાની મુલાકાત બાદ ગામમાં મામલતદાર સહિતની ટીમ નુકશાનીના સર્વે માટે પહોચી હતી.

દામોદરકુંડના 135 વર્ષ જૂના પુલની પારાપેટ તણાઈ

ગિરનાર ક્ષેત્રમાં ગઈકાલે પડેલા એકધારા 16 ઈંચ વરસાદથી સમગ્ર ભવનાથ તિર્થક્ષેત્ર પાણીમાં ગરકાવ થયું હતું, અને સ્થળ ત્યાં જળ જેવી સ્થિતિનું નિર્માણ થયું હતું, જે પાણી અહીના દામોદરકુંડમાં ધસમસતા આવી ચડતા અત્યાર સુધીના ઈતિહાસમાં ન જોયું હોય તેવું પુર દામોદરકુંડમાં સર્જાયું હતું અને ભારે તારાજી સર્જી હતી. રાધા દામોદરરાયજી મંદિરના ટ્રસ્ટી નિર્ભયભાઈ પુરોહિતે જણાવ્યું હતું કે, દામોદરકુંડનો પુલ 135 વર્ષ જુનો છે, ગઈકાલે ગિરનાર ઉપર 16 ઈંચ વરસાદ વરસ્યો જેના પરિણામે પુરના કારણે દામોદરકુંડના પુલની પારાપેટ બાકડાઓ સાથે તણાઈ ગયેલ છે.

ભવનાથના માર્ગો ઉપર રેતી-કપચીનો કાપ ભરાયો

ગિરનાર પર્વત ઉપરથી જે રીતે પાણીનો પ્રવાહ ધસમસતો ભવનાથમાં આવી ચડયો હતો, જેના પરિણામે સાથે પર્વત ઉપરથી રેતી, કપચી અને કાપ પણ તણાઈને માર્ગો ઉપર ફેલાઈ ગયા હતા, જ્યાં જુઓ ત્યાં કાપ જ જોવા મળતો હતો, અહીની દુકાનો અને કેબીનોમાં કાપ ભરાઈ ગયો હતો, અને અને પાંજનાકા પુલ પાસેનો માર્ગ ધોઈ નાખ્યો હતો, કાપને દુર કરવા માટે તંત્ર દ્વારા જેસીબી કામે લગાવીને સફાઈ કામગીરી કરી હતી.

ગિરનાર તળેટીમાં મહારાષ્ટ્ર, રાજસ્થાનના યાત્રિકો ફ્સાયા

ગિરનાર દર્શન માટે આવેલા મહારાષ્ટ્ર, રાજસ્થાનના અનેક યાત્રિકો ફ્સાયા હતા, કારણ કે તંત્ર દ્વારા પ્રવાસન સ્થળે અવર જવર કરવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો હતો, જેને લઈને પોલીસ દ્વારા પ્રવેશબંધી કરવામાં આવી હતી, જેથી ભવનાથ આવેલા યાત્રિકોને પોલીસે તેમની સલામતી માટે સમજાવવા પડયા હતા.


  • Follow us on: