• ચૂંટણી ટાણે છાંટોપાણી પર તવાઈ : ઝાલાવાડમાં દેશી દારૂના 30 દરોડા

  • 26 નશો કરેલી હાલતમાં પકડાયા ત્રણ મહિલા સહિત
  • 11 આરોપીને પોલીસે દબોચ્યા, 7 ફરાર

સુરેન્દ્રનગર જિલ્લામાં વિધાનસભા ચૂંટણીને ધ્યાને લઈ પોલીસ દારૂની બદીને ડામવા આકરા પાણીએ થઈ છે. ત્યારે શુક્રવારે પ્રોહીબીશનના કેસો કરવાની સ્પેશ્યલ ડ્રાઈવ રખાઈ હતી. જેમાં એ ડીવીઝન પોલીસે શહેરના રેલવે ડી કેબીન પાછળ આવેલ મીયાણાવાડના છાપરામાં દરોડો પાડયો હતો. બુટલેગર દંપતીના ઘરે ફળીયામાં દેશી દારૂની ભઠ્ઠી ધમધમતી મળી આવી હતી. દરોડા સમયે મહીલા બુટલેગરને બચાવવા પાંચ મહીલા સહીત 18 વ્યકતીઓના ટોળાએ પોલીસ પર હુમલો કર્યો હતો. જેમાં 5 પોલીસ કર્મીને ઈજા પણ પહોંચી છે. આ બનાવમાં 11 આરોપીઓને પોલીસે ઝડપી લીધા છે. જયારે બનાવની ફરીયાદ નોંધી અન્ય 7 આરોપીઓને ઝડપવા વધુ તપાસ હાથ ધરાઈ છે.

સુરેન્દ્રનગરના પડોશી જિલ્લા બોટાદ અને અમદાવાદ ગ્રામ્યમાં થોડા સમય પહેલા લઠ્ઠાકાંડના સમયે ઝાલાવાડમાં પણ દેશી દારૂની બદી ડામવા પોલીસ આકરા પાણીએ થઈ હતી. અને ઠેરઠેર દારૂના દરોડા કરાયા હતા. ત્યારે હાલ વિધાનસભા ચૂંટણીઓને ધ્યાને લઈને પણ જિલ્લા પોલીસ વડા હરેશ દુધાત દ્વારા દારૂની બદીને ડામવા સ્પેશ્યલ ડ્રાઈવનું આયોજન કરાયુ હતુ. જેમાં જિલ્લાભરમાં શુક્રવારે સાંજે અને રાત્રે પોલીસ દ્વારા ઠેરઠેર દારૂના દરોડા કરવામાં આવ્યા હતા. આ દરોડામાં સુરેન્દ્રનગર જિલ્લામાં 30 સ્થળે દેશી દારૂના દરોડા કરાયા હતા. જયારે લીંબડીના બોડીયા અને લીંબડી શહેરમાં વિદેશી દારૂના દરોડા થયા હતા. આ ઉપરાંત જિલ્લાભરમાંથી દારૂ પીધેલી હાલતમાં 26 શખ્સો પોલીસના હાથે પકડાયા હતા. જેમાં સુરેન્દ્રનગર એ ડીવીઝન પોલીસ મથકની ટીમ દ્વારા શહેરના રેલવે સ્ટેશન પાસે ડી કેબીન પાસે મીયાણાવાડના છાપરામાં દેશી દારૂનો દરોડો કરાયો હતો. આ દરોડામાં મહીલા બુટલેગરને બચાવવા 18 વ્યકતીઓએ ટોળે વળી પોલીસ પર હુમલો કર્યાનો બનાવ બન્યો છે. બનાવની એ ડીવીઝન પોલીસ મથકેથી મળતી માહીતી મુજબ એ ડીવીઝન પીઆઈ એમ.ડી.ચૌધરી, પીએસઆઈ કે.એચ.ઝણકાત, એસ.વી.દાફડા, ધનરાજસીંહ, કાંતીલાલ પરમાર, હરદેવસીંહ સહીતનાઓને આ વીસ્તારમાં રહેતા ફાતીમાબેન કરીમભાઈ જેડા અને કરીમ દેપાભાઈ જેડા પોતાના રહેણાક મકાનમાં દેશી દારૂની ભઠ્ઠી ચલાવતા હોવાની બાતમી મળી હતી. આથી પોલીસ ટીમે દરોડો કરી ઘટનાસ્થળેથી પ લીટર દેશી દારૂ કિંમત રૂપીયા 100, દેશી દારૂ બનાવવાનો 1000 લીટર આથો કિંમત રૂપીયા 2000 સહીત રૂપીયા 2100નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. આ દરોડા સમયે કરીમ જેડા હાજર મળી આવ્યો ન હતો. જયારે પોલીસ ફાતીમાને કોર્ડન કરીને લઈ જતી હતી ત્યારે તેણે દેકારો કરતા આસપાસથી માણસોનું ટોળુ ધસી આવ્યુ હતુ. અને મહીલા બુટલેગરને બચાવવા ટોળાએ પીઆઈની નેમ પ્લેટ તોડી નાંખી ફાતીમાને ઉશ્કેરણીથી પોલીસ ટીમ પર ધારણ કરેલ હથીયારો વડે હુમલો કર્યો હતો. આ બનાવમાં પ પોલીસ કર્મીઓને ઈજા થતા સારવાર માટે હોસ્પીટલ લઈ જવાયા હતા. પોલીસે આ બનાવમાં 5 મહીલા સહીત કુલ 18 વ્યકતીઓ સામે પોલીસની ફરજમાં રૂકાવટ અને મારામારી કર્યાનો ગુનો દાખલ કર્યો છે. જયારે આ બનાવના 11 આરોપીઓને પણ ઝડપી લેવાયા છે. આ અંગેની વધુ તપાસ જોરાવરનગર પીએસઆઈ આર.જે.જાડેજા ચલાવી રહ્યા છે.

સુરેન્દ્રનગરના નવા જંકશન પાસે આવેલ ડી કેબિન પાછળ મિયાણાવાડના છાપરામાં પોલીસે દેશી દારૂ અંગે દરોડો પાડયો હતો

પોલીસે 11 આરોપીઓને દબોચી લોકઅપ ભેગા કર્યા ફાતીમા કરીમભાઈ જેડા, રહેમાન દેપાભાઈ જેડા, જુનેદ અબુભાઈ જેડા, અબુ દેપાભાઈ જેડા, જાવેદ સુલેમાનભાઈ જેડા, આમીન આવેશભાઈ જેડા, નીઝામ રહેમાનભાઈ જેડા, આરીફ અબ્બાસભાઈ જેડા, અનવર અબુભાઈ સામતાણી, નુરજહા રહેમાનભાઈ જેડા, આયશા મયુદ્દીનભાઈ જેડા.

હુમલામાં વોન્ટેડ આરોપી : રસીક અબુભાઈ જેડા, ઈરફાન કરીમભાઈ જેડા, ફીરોઝ રહેમાનભાઈ જેડા, નસીમ સુલેમાનભાઈ જેડા, મરીયમ રહીશભાઈ જેડા, ફારૂક સુલેમાનભાઈ જેડા, લતીફ અબુભાઈ જેડા.


  • Follow us on: