- સ્વાઇન ફ્લૂ સાથે કોરોનાની દસ્તક
- સિવિલ હોસ્પિટલમાં 2 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા
- સ્વાઇન ફ્લૂના 5 દર્દીઓ હોસ્પિટલમાં દાખલ
રાજ્યમાં ફરી એકવાર કોરોના માથું ઉંચકી રહ્યું હોય તેવું લાગી રહ્યું છે. આ સાથે જ રાજ્યમાં અમદાવાદ શહેરમાં કોરોના કેસ નોંધાય છે. અમદાવાદની અસારવા ખાતે આવેલી સિવિલ હોસ્પિટલમાં પાંચ સ્વાઇન ફ્લૂના, બે કોરોનાના દર્દીઓને દાખલ કરવામાં આવ્યા છે. જ્યારે સોલા સિવિલ હોસ્પિટલ ખાતે પણ ગત એક સપ્તાહ દરમિયાન 10,000થી વધુ દર્દીઓ સારવાર અર્થે પહોચ્યા છે.
હાલમાં ઋતુચક્રમાં ફેરફાર જોવા મળી રહ્યો છે. જેમાં ઠંડી સાથે ગરમીનું પ્રમાણ વધ્યું છે. જેના કારણે ઝાડા-ઉલટીના કેસમાં પણ વધારો થયો છે. આ ઉપરાંત વાઇરલ ઇન્ફેક્શન છે તે પણ ઘણાં લાંબા સમયગાળા સુધી ચાલી રહ્યું હોવાથી તેનો ફેલાવો ખૂબ ઝડપથી થઈ રહ્યો છે. આ સાથે જ વાઈરલ ઇન્ફેકશન કેસમાં વધારો થઈ રહ્યો છે.
કોવિડ રિપોર્ટ પોઝિટિવ આવ્યા
છેલ્લા એક મહિનાથી સતત શહેરના ઘરઘરમાં રોગચાળો વકર્યો છે. H1N1 ઇન્ફ્લુઅન્ઝા પ્રકારના વાઇરસને કારણે સતત શરદી, ખાસી, તાવ જેવા લક્ષણો સાથે સ્વાઇન ફ્લુની બીમારીથી શહેરીજનો પીડાઈ રહ્યા છે. તેવામાં અમદાવાદ શહેરમાં બે દર્દીઓનો રિપોર્ટ કોવિડ પોઝિટિવ આવ્યો છે.
આ વર્ષે પણ માર્ચ મહિનામાં મિશ્ર ઋતુની અસર જોવા મળી રહી છે. જેના પરિણામે વાઇરલ ઇન્ફેશનની અસર જોવા મળી રહી છે. સામાન્ય રીતે વાઇરલ ઇન્ફેક્શન ડોક્ટરની સલાહ લીધા બાદ ચારથી પાંચ દિવસમાં સામાન્ય થઈ જતું હોય છે, પરંતુ આ વર્ષે મોટાભાગના દર્દીઓને 15-20 દિવસ જેટલા સમય માટે વાઇરલ ઇન્ફેક્શનની અસર રહી છે. આ ઉપરાંત સ્વાઇન ફ્લૂના કેસમાં પણ ખુબ વધારો થયો છે.
ઘરેઘર માંદગીના કેસ વધ્યા
અમદાવાદ ખાતે સોલા સિવિલ હોસ્પિટલમાં ગત એક સપ્તાહ દરમિયાન ઓપીડીમાં 10,030 દર્દીઓ નોંધાયા હતા. સોલા સિવિલ હોસ્પિટલમાં એક સપ્તાહ દરમિયાન ઝાડા ઉલ્ટીના 14 કેસ નોંધાયા હતા. તે ઉપરાંત મચ્છરજન્ય રોગમાં પણ ડેંગ્યુના 73 શંકાસ્પદ કેસમાંથી 3 દર્દીઓનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. જ્યારે મેલેરિયાના 205, ચિકન ગુનિયાના સાત નમૂના લેવામાં આવ્યા હતા, જેમાંથી એકપણ દર્દીનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો ન હતો. તથા વાઇરલ હિપેટાઇટિસના બે અને ટાઇફોઈડના ચાર દર્દીઓ નોંધાયા હતા.









