• 10મી નવેમ્બરને ગુરુવારથી બીજા શૈક્ષણિક સત્રનો પ્રારંભ થશે.

  • વેકેશનમાં સૂમસામ પડેલા કેમ્પસ 1.15 કરોડથી વધુ બાળકોના કિલ્લોલથી ગુંજશે
  • 104 દિવસનું પ્રથમ સત્ર હતું, બીજા સત્રમાં 137 દિવસ શૈક્ષણિક કાર્ય થશે

રાજ્યની તમામ સરકારી, ગ્રાન્ટેડ અને ખાનગી પ્રાથમિક શાળાઓ તેમજ માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાનું 21 દિવસનું દિવાળી વેકેશન આજે 9 નવેમ્બરના રોજ પૂર્ણ થયું છે. દિવાળી વેકેશન પૂર્ણ થતાં હવે 10મી નવેમ્બરને ગુરુવારથી બીજા શૈક્ષણિક સત્રનો પ્રારંભ થશે. ચાલુ શૈક્ષણિક વર્ષમાં પ્રથમ સત્રમાં શૈક્ષણિક કાર્ય માટેના 104 દિવસ હતા. બીજા શૈક્ષણિક સત્રમાં રજાઓ અને પરીક્ષાના દિવસો બાદ કરતાં 137 દિવસ શૈક્ષણિક કાર્ય ચાલશે. 2021 દિવસના દિવાળી વેકેશનમાં સૂમસામ પડેલા ધોરણ.1થી 12ની સ્કૂલોના કેમ્પસ ગુરૂવારથી રાજ્યના 1.15 કરોડથી વધુ બાળકોના કિલ્લોલથી ગૂંજી ઊઠશે.

રાજ્યની સરકારી, ગ્રાન્ટેડ અને ખાનગી મળી અંદાજે 41,314 જેટલી પ્રાથમિક શાળા તેમજ 4,659 માધ્યમિક અને 8,321 જેટલી ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓમાં 20મી ઓક્ટોબરને ગુરુવારથી 21 દિવસનું દિવાળી વેકેશન આપવામાં આવ્યું હતું. 20 ઓક્ટોબરથી 9 નવેમ્બર સુધી વેકેશન ચાલતા હવે 10મી નવેમ્બરને ગુરુવારના રોજ બીજા શૈક્ષણિક સત્રનો પ્રારંભ થશે. સ્કૂલોમાં પ્રથમ સત્ર 13મી જૂનથી શરૂ થયું હતું જે 19મી ઓક્ટોબર એટલે કે, 104 દિવસનું પૂર્ણ થતાં 21 દિવસનું દિવાળી વેકેશન જાહેર કરવામાં આવ્યું હતું. બીજા સત્રમાં 10મી નવેમ્બર,2022થી 30મી એપ્રિલ, 2023 સુધીનાં 137 દિવસ ફાળવાયા છે. બીજા સત્રમાં માસ પ્રમાણે થનાર શૈક્ષણિક કાર્યના દિવસોમાં નવેમ્બરમાં 18 દિવસ, ડીસેમ્બરમાં 27, જાન્યુઆરી-23માં 24, ફેબ્રુઆરી-23માં 23, માર્ચ-23માં 24 અને એપ્રિલ-23માં 21 મળી કુલ 137 દિવસ નક્કી કરાયાં છે. બીજા સત્રના શૈક્ષણિક કાર્ય બાદ શાળાકીય વાર્ષિક પરીક્ષા 10મી એપ્રિલથી અને બોર્ડની પરીક્ષા 14મી માર્ચથી શરૂ થશે. સ્કૂલોમાં ઉનાળુ વેકેશન 1લી મેથી 4થી જૂન સુધી આપવામાં આવશે અને 5મી જુન, 2023થી નવા શૈક્ષણિક વર્ષનો પ્રારંભ થશે.


  • Follow us on: