- મોડાસા,ધનસુરાના નદી કિનારાના નીચાણના વિસ્તારોને સાવધાન રહેવા તાકીદ
- જળાશયમાંથી 260 ક્યુસેક પાણી છોડાયું હતુ
- નદી કિનારાના ગામોના લોકોને સાવધાન રહેવા તંત્રએ જાણ કરી છે
મોડાસાના માઝુમ ડેમના 9 રેડિયલ ગેટના મરામત માટે જળાશયમાંથી 260 ક્યુસેક પાણી છોડાયું હતુ. હજુ આગામી દિવસોમાં 800 થી 1000 ક્યુસેક સુધી પાણી છોડવામાં આવશે. નદીમાં પાણી છોડવાની શરૂઆત કરતાં નદી કિનારાના ગામોના લોકોને સાવધાન રહેવા તંત્રએ જાણ કરી છે.
સિંચાઈ વિભાગ દ્વારા મંગળવારથી માઝુમ ડેમનું પાણી છોડવાની શરૂઆત કરવામાં આવી હતી. પ્રથમ દિવસે ડેમના બે દરવાજા ખોલી માઝુમ નદીમાં 260 ક્યુસેક પાણી છોડાયું હતુ. 10 થી 12 દિવસમાં જળાશયમાંથી પાણીનો જીવંત જથ્થો ખાલી કરી દેવામાં આવનાર છે ત્યારે આગામી દિવસોમાં પાણીમાં વધારો કરી 800 થી 1000 ક્યુસેક સુધી છોડવામાં આવશે. ભર ઉનાળે જળાશયમાંથી નદીમાં પાણી છોડવામાં આવતાં મોડાસા અને ધનસુરા તાલુકાના નદી વિસ્તારના ગામો તેમજ ખેડા જિલ્લાના પણ કેટલાક ગામોના લોકોને નદીના પટમાં અવરજવર ન કરવા તાકીદ કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે,1.5 કરોડના ખર્ચે માઝુમ ડેમના 9 રેડિયલ ગેટ બદલવામાં આવનાર છે અને ચોમાસા પહેલાં કામગીરી પૂર્ણ કરી દેવાનો તંત્રએ લક્ષાંક રાખ્યો છે.










