- ઓસ્કાર નોમિનેટેડ ગુજરાતી ફિલ્મના 2 પાત્રોના પિતા ડ્રાયવર
- મુખ્ય પાત્ર ભાવિન રબારીના પિતા બસ અને રાહુલના પિતા રીક્ષાચાલક
- સૌરાષ્ટ્રના બાળકલાકારોએ ડાયરેક્ટરે રાજ્યની સાથે દેશને ગૌરવ અપાવ્યું
2022ના ઓસ્કાર એવોર્ડ માટે ગુજરાતી ફિલ્મની પસંદગી થઈ તે ગુજરાત માટે ગૌરવની વાત છે. પરંતુ, સાથે સાથે બહુ ઓછાને ખબર હશે કે, ફિલ્મના પાત્રો પૈકીનો મુખ્ય અભિનેતા જામનગર નજીકના વસઇ ગામના રબારી પરિવારનો છે જેના પિતા બસ ડ્રાઈવર છે અને બીજો એક બાળ કલાકાર જામગનરના રીક્ષા ચાલકનો પુત્ર છે. તેમજ ત્રીજો એક ક્લાકાર પણ જામજોધપુર પંથકના ગામડાનો છે. કલાકારો શોધવા વર્ષ 2019માં ફિલ્મ નિર્માતા ડાયરેક્ટરની ટીમે સૌરાષ્ટ્રભરમાં ફેસ સર્ચ કર્યા બાદ સામાન્ય પરિવારોના બાળકોને પસંદ કર્યા છે.

મુખ્ય કલાકાર ભાવિન જામનગરના એક ગામડાનો વતની
ઓસ્કાર એવોર્ડ માટે પસંદગી પામેલી અમરેલીના ડાયરેક્ટર પાન નલિનની ગુજરાતી ફિલ્મ છેલ્લો-શોનો મુખ્ય હીરો જામનગર ખંભાળીયા રોડ પર શહેરથી 10 કી.મી. દુર આવેલા વસઈ ગામનો નજીકની રાવલસર વાડી શાળાનો ધોરણ 8નો વિદ્યાર્થી ભાવિન રબારી છે. ભાવિન હાલ તો મુંબઈ ખાતે આગામી સંભવિત યાત્રાની તૈયારી માટે ગયો છે. જામનગરને અને રબારી સમાજને ગૌરવ અપાવનાર ભાવિનના બસ ડ્રાઈવર પિતા આલાભાઈ નાંગેશ જણાવે છે કે, અમને ડાયરેક્ટર તરફથી જ્યારે ફોન આવ્યો ત્યારે ખબર પડી કે, ઓસ્કાર એવોર્ડ વિદેશમાં અપાય છે. તેમજ પુત્ર ભાવિનને પણ પ્રસિધ્ધિ મળી છે. હાલાર અને રબારી સમાજનું પુત્રએ ગૌરવ વધાર્યું છે તે જાણીને પિતા તરીકે મને અને માતા નાથીબેનને ગૌરવ થયું છે.

કલાકારોની પસંદગી કરવા ફિલ્મના નિર્માતાઓની ટીમ ગામડે આવી હતી
ભાવિનની પસંદગી કેવી રીતે થઈ? તે અંગે પિતા આલાભાઈ નાંગેશ જણાવે છે કે, કોરોનાના સમય પહેલા ફિલ્મના કલાકારોને શોધવા ગ્રામ્ય વિસ્તારોમાં ટીમ ફરતી હતી. ઓછામાં ઓછા 10 હજાર જેટલા બાળકો જોયા હશે. બાદમાં ભાવિનની અને અન્યોની પસંદગી થઈ હતી. જામનગરના વણઝારા રામભાઈ રીક્ષા ચલાવે છે. તેના પુત્ર રાહુલની પણ આ રીતે પસંદગી થઇ હતી. બીજા બાળકો પોરબંદર, જામજોધપુર પંથકના ગામડાના અને અમરેલી પંથકના પણ છે. આમમાત્ર જામનગર જ નહીં પરંતુ સૌરાષ્ટ્રના બાળકોએ અને ડાયરેક્ટરે આજે ભારતને ગૌરવ અપાવ્યું છે. તેમ કહેવું વધુ ઉચિત છે. ફિલ્મની મુખ્ય થીમ એક બાળકને ફિલ્મની લાગેલી લગની છે અને બાદમાં મલ્ટીપ્લેક્સ કલ્ચર આવી જતાં 35 એમ.એમ.ની ફિલ્મને બચાવવાનો તેનો સંઘર્ષ હોવાનું મનાય છે.