• મિલકતવેરામાં બે કરોડની આવકની ઘટ અન્યત્રથી વસુલ કરવા સૂચન

  • લોકસભાની ચૂંટણી બાદ દરખાસ્ત કરવાનો વહીવટી તંત્રને સ્થાયીનો ઈશારો
  • લોકસભાની ચૂંટણી બાદ આ દિશામાં કાર્યવાહી કરવા

રહેણાંક મિલકતોમાં ભાડુઆતનો દોઢ ટકા ભારાંક દૂર કરવાનો નિર્ણય આજની સ્થાયી સમિતીમાં કરવામાં આવ્યો પરંતુ આ ભાડુઆતનું પરિબળ હટાવવાથી કોર્પોરેશનની મિલકત વેરાની આવક બે કરોડ જેટલી ઘટી જશે. આ આવક ક્યાંથી મેળવી શકાય તે માટેના સ્ત્રોત શોધી કાઢવા સ્થાયી સમિતી દ્વારા સૂચન કરવામાં આવ્યું છે. લોકસભાની ચૂંટણી બાદ આ દિશામાં કાર્યવાહી કરવા અને દરખાસ્ત સાથે સ્થાયી સમિતી સમક્ષ આવવા ઠરાવ કરાયો હતો.

ભાડેથી અપાયેલી રહેણાંક મિલકતના કિસ્સામાં કરદાતાઓને એક જ મિલકતના બબ્બે બિલો મળતા હતા, આ સમસ્યાને દુર કરવા રહેણાંક મિલકતોમાં ભાડુઆતનું પરિબળ હટાવી દેવામાં આવ્યું છે. એટલેકે રહેણાંક મિલકત ભાડે આપવામાં આવે તો પણ અમદાવાદની જેમ તેના ભારાંકમાં કોઈ ફેરફાર નહી રહે. મ્યુનિ કમિશનરની ભાડુઆતના ભારાંકમાં ફેરફાર માટેની દરખાસ્ત આજની સ્થાયી સમિતીમાં મંજુર કરવામાં આવી હતી. અત્યારસુધી ભાડુઆતના કિસ્સામાં દોઢ ટકા ભારાંક લગાવવામાં આવતો હતો. પરંતુ હવે રહેણાંકનુ મકાન ભાડે આપેલું હશે તો પણ એકસરખો એક ટકા ભારાંક જ લાગુ કરાશે. નોંધનીય છે કે, કરદાતાઓ તરફથી પણ અમદાવાદ કોર્પોરેશન દ્વારા ભાડુઆત માટે અલગ ભારાંક નથી લગાવવામાં આવતો તેવી રજુઆત ચૂંટાયેલી પાંખ પાસેથી આવી હતી. પરંતુ સ્થાયી સમિતીના આજના પ્રજાલક્ષી નિર્ણયથી ગાંધીનગર મહાપાલિકા વિસ્તારમાં આવેલી 31,716 જેટલી ભાડે આપેલી મિલકતધારકોને રાહત થશે.

પરંતુ આ નિર્ણયથી કોર્પોરેશનની મિલકત વેરાની આવકમાં અંદાજે બે કરોડ જેટલો ઘટાડો થશે.

ઘટ અન્ય રીતે વસુલ કરવા સ્થાયી સમિતીએ તંત્રને સૂચન કર્યું છે. અંદરની વાત એવી પણ છે કે, મોટા ફાર્મહાઉસ સહિતની મોટી મિલકતો ગાંધીનગર મહાપાલિકા વિસ્તારમાં આવેલી છે. તેમની પાસેથી આ ઘટ પુરી કરી શકાય તેમ હોવાનો આડકતરો સંકેત સ્થાયી સમિતી દ્વારા આપવામાં આવ્યો હોવાની વિગતો છે. જોકે હાલ લોકસભાની ચૂંટણી સામે દસ્તક દઈ રહી હોવાથી આ મામલે કોઈ સ્પષ્ટ નિર્ણય સ્થાયી સમિતી દ્વારા નથી જાહેર કરવામાં આવ્યો, પરંતુ ચૂંટણી બાદ આ દિશામાં વિચારણા કરવામાં આવે તો નવાઈ નહિ. કમિશનરને પણ આવકની ઘટને કેવી રીતે પુરી શકાય તે બાબતે વિચારવા સૂચન કર્યું છે. એટલું જ નહિ ચૂંટણી બાદ આ અંગે સ્થાયી સમિતી સમક્ષ નવેસરથી દરખાસ્ત કરવા માટે પણ જણાવ્યું છે.


  • Follow us on: