- ત્રણ વર્ષમાં માંડ 1,051 વિદ્યાર્થીઓની જ અરજી મંજૂર થઈ !
- વર્ષ 20-21માં 47 % અને 21-22માં 36 % રિજેક્શન રેટ નોંધાયો હતો
- ઉચ્ચ અભ્યાસક્રમ માટે ગુજરાત સરકાર વિદ્યાર્થીઓને ઓછા વ્યાજે લોન સહાય આપે છે
ગુજરાત સરકાર સમક્ષ સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગો- OBC વિદ્યાર્થીઓ દ્વારા ઉચ્ચ અભ્યાસ માટે લોન સહાય મેળવવા થતી અરજીઓમાંથી 33.60 ટકાથી વધુ અરજી ના-મંજૂર થઈ રહી છે. ગતવર્ષે વિધાનસભા ચૂંટણી પહેલા આડેઘડ થઈ રહેલા રિજેક્શન મુદ્દે ઉહાપોહ થયા બાદ છેલ્લા નાણાકીય વર્ષમાં અરજીઓ ના-મંજૂર કરવાનો દર ઘટીને 18 ટકા થયો છે પરંતુ, તે પહેલાના વર્ષ વર્ષ 20-21માં 47 ટકા અને 21-22માં 36 ટકા અરજીઓ રદ્દ થઈ હતી. જેના કારણે આ ત્રણ વર્ષમાં માત્ર 1,051 વિદ્યાર્થીઓ જ લોન સહાય યોજનાનો લાભ લઈ શક્યા છે.
સામાજીક ન્યાય અધિકારિતા અને શિક્ષણ વિભાગ દ્વારા પછાત વર્ગોના વિદ્યાર્થીઓના ઉચ્ચ અભ્યાસ માટે લોન સહાય યોજનાના પ્રચારના અભાવે પહેલાથી જ અરજીનું પ્રમાણ ઓછુ છે. તેમાંય આવી અરજીઓમાં રિજેક્શનનો ક્રમ વધતા સરકારે નિયમો અને પ્રક્રિયામાં ફેરફાર કરવા સુચના આપી હતી. એમ છતાંયે ત્રણ વર્ષમાં 110 અરજીઓ રદ્દ થઈ છે જ્યારે 1051 અરજીઓ મંજૂર કરવામાં આવ્યાનું અધિકૃતપણે જાહેર કરાયુ છે. આ તરફ બિન અનામત વર્ગો માટેના શૈક્ષણિક અને આર્થિક પછાત વર્ગો માટેના નિગમ દ્વારા અત્યાર સુધીમાં કુલ 1,888 વિદ્યાર્થીઓની અરજીઓ માટે શૈક્ષણિક અભ્યાસ લોન સહાય યોજના હેઠળ અરજીઓ મંજૂર થઈ છે. સામાજિક ન્યાય અધિકારિતા અને શિક્ષણ વિભાગે OBC વિદ્યાર્થીઓની અરજી ના- મંજૂર થવા પાછળ વિદ્યાર્થીઓ દ્વારા અમાન્ય કોર્ષ માટે સહાયની માંગણી, આવક મર્યાદા વધુ હોવાથી અને ધોરણ- 12માં 50 ટકા કરતા ઓછા ગુણ હોવાને કારણો દર્શાવ્યા છે. સાથે જ કેટલાક વિદ્યાર્થીઓએ મેનેજમેન્ટ ક્વોટામાં પ્રવેશ મેળવ્યો હોય અને સરકારી લોન સહાયની માંગણી કરી હોય તેથી પણ અરજી રદ્દ થયાનું જણાવ્યુ છે. ઉલ્લેખનિય છે કે, ધોરણ- 12 પછી MBBS, ઈજનેરી સહિતના ઉચ્ચ અભ્યાસક્રમ માટે ગુજરાત સરકાર વિદ્યાર્થીઓને ઓછા વ્યાજે લોન સહાય આપે છે.










