• ગાંધીનગર સહિત સમગ્ર દેશમાં વીજળી પડવાના બનાવોમાં વધારો થઇ રહ્યો છે

  • વીજળી પડવા પાછળ ગ્લોબલ વોર્મિંગ મુખ્ય પરિબળ
  • જિલ્લામાં આ વર્ષે વીજળી પડવાથી 7 પશુના મોત નિપજ્યા છે

ગાંધીનગર સહિત સમગ્ર દેશમાં છેલ્લા કેટલાક સમયથી આકાશી વીજળી પડવાના બનાવોમાં વધારો થઇ રહ્યો છે. વૈજ્ઞાનિકો આ પાછળ ગ્લોબલ વોર્મિંગને કારણભુત માને છે. વીજળી પડવાથી માનવ અને પશુમૃત્યુના બનાવો વધી રહ્યા છે. લાઇટનીંગ રેઝીલીએન્ટ ઇન્ડિયા કેમ્પેઇનના લાઇટનીંગ અંગેના ભારતના બાજા વાર્ષિક અહેવાલ પ્રમાણે દેશમાં આકાશી વીજળી પડવાના બનાવોમાં 34 ટકાનો વધારો થયો છે. ગત વર્ષે દેશમાં વિવિધ સ્થળે 1.85 કરોડ વખત વીજળી પડી હતી. છેલ્લા બે વર્ષમાં ગાંધીનગરમાં પણ વીજળી પડવાના બનાવો વધી રહ્યા છે. ગત વર્ષે આ બનાવોમાં ત્રણ માનવમૃત્યુ જ્યારે આ વર્ષે સાત જેટલા પશુ મૃત્યુ નોંધાઇ ચુક્યા છે.

લાઇટનીંગ પરના વાર્ષિક અહેવાલ પ્રમાણે વર્ષ 2019-20ની સાલમાં દેશમાં 1.38 કરોડ વખત વીજળી પડી હતી .જ્યારે વર્ષ 2020-21માં આ આંકડો વધીને 1.85 કરોડ સુધી પહોંચ્યો છે. ગાંધીનગરમાં પણ છેલ્લા બે વર્ષમાં વીજળી પડવાના બનાવો વધી રહ્યા છે. કુદરતી કારણોસર થતા આકસ્મીક મૃત્યુમાં વીજળી પડવાથી થતા મોતનો ફાળો મોટો છે. સત્તાવાર આંકડા પ્રમાણે ગત વર્ષે દેશમાં વીજળી પડવાથી 1700 લોકોના મોત નિપજ્યા હતા. આકાશી વીજળી પડવાના વધારા પાછળ ગ્લોબલ વોર્મિંગને મુખ્ય કારણ માનવામા આવે છે. પૃથ્વીની સપાટી ગરમ થવાથી અને વધુ નમીના કારણે વીજળી પડવાની ઘટનામાં ઝડપથી વધારો થઇ રહ્યો છે. આગામી દિવસોમાં જો પર્યાવરણને થતુ નુકશાન અટકાવવામાં નહી આવે તો આકાશી વીજળી મોટુ જોખમ સાબિત થઇ શકે છે. જેમજેમ શહેરોની સંખ્યા અને તેની વસતી વધતી જાય છે તેમતેમ આ જોખમમાં વધતુ જાય છે. અત્યાર સુધી મોટાભાગે ગ્રામ્ય વિસ્તારોમાં વીજળી પડવાના બનાવો બનતા હતા. પરંતુ હવે શહેરી વિસ્તારો પણ બાકાત નથી. જે આગામી દિવસોમાં ચિંતાનું કારણ બની રહેશે. હવામાન વિભાગે 1લી એપ્રિલ-2019થી વિજળી પડવાની આગાહીઓ શરૂ કરી હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. પરંતુ ગાંધીનગર અને ગુજરાતમાં આ પ્રકારની આગાહીઓ સામે આવી નથી. દેશમાં આકાશી વીજળીનું વૈજ્ઞાનિક મેપીંગ કરવાની પણ વિચારણા ચાલી રહી છે. જોકે, હવામાન વિભાગ જે રીતે વરસાદ, ઠંડી અને ગરમીની આગાહી લોકો સુધી પહોંચાડી રહ્યુ છે તે રીતે તે વીજળી પડવાની આગાહી પણ લોકો સુધી પહોંચે તે જરૂરી છે. પરંતુ આ મામલે છેલ્લા કેટલાક સમયથી અનદેખી કરવામાં આવી રહી છે.

છેલ્લા બે વર્ષથી ગાંધીનગરમાં જે રીતે વીજળી પડવાના બનાવોમાં નિર્દોષ માનવજીંદગી અને પશુજીંદગી હણાઇ રહી છે ત્યારે આ પ્રકારની આગાહી ભવિષ્યમાં જાનમાલનું નુકશાન નિવારવા માટે અસરકારક સાબિત થઇ શકે છે. કેલીફોર્નિયા યુનિવર્સિટીના એક રિપોર્ટ પ્રમાણે એક ડિગ્રી સેલ્સિયસ તાપમાન વધારાથી વીજળી પડવાની આવર્તન 12 ટકા વધી શકે છે. ભારત સરકારે આકાશી વીજળી મામલે ચેતવણી આપતી એક એપ બનાવી છે. જેમાં વીજળી પડવાથી શુ કરવુ જોઇએ સહિતની વિગતો છે. પરંતુ આ એપથી મોટાભાગના લોકો અજાણ છે. તેનો પ્રચાર પ્રસાર કરવામાં આવ્યો નથી. જે રીતે વીજળી પડવાના બનાવો વધી રહ્યા છે તે જોતા આગામી દિવસોમાં આકાશી વીજળી મામલે લોકો વધુમાં વધુ સજાગ થાય તે માટેના પ્રયત્નો આવશ્યક છે.

ઝાડ અને ઇમારત પર વીજળી પડવાની સૌથી વધુ શક્યતા

આકાશી વીજળીના બનાવો છેલ્લા કેટલાક સમયથી વધી રહ્યા છે. જે કેટલાક કિસ્સામાં જીવલેણ પણ સાબિત થઇ રહ્યા છે ત્યારે આકાશી વીજળીથી બચવા માટે લોકોએ કેટલીક સાવચેતી રાખવી આવશ્યક છે. આકાશી વીજળી મોટાભાગે ઝાડ અને ઇમારત પર પડવાની શક્યતા સૌથી વધુ છે. જેના કારણે આવા સંજોગોમાં ખાસ કરીને ઝાડ નીચે નહી ઉભા રહેવાની સલાહ આપવામાં આવે છે. બે દિવસ પુર્વે ગાંધીનગરમાં આકાશી વીજળીથી જે ચાર પશુના મોત નિપજ્યા તે પૈકી મોટાભાગના પશુઓ ઝાડ નીચે ઉભા હતા. આ ઉપરાંત બે વર્ષ પુર્વે દહેગામ પંથકમાં ઝાડ નીચે અને આસપાસ ઉભેલા 12 જેટલા ઘેટાબકરાના પણ આકાશી વીજળી પડવાથી મોત નિપજ્યા હતા. જ્યારે ગત વર્ષે અડાલજ કોલેજ પાસેના ઝાડ નીચે ઉભેલી એક વિદ્યાર્થીનીનું આકાશી વીજળી પડતા મોત નિપજ્યુ હતું. વીજળી પડવાના કિસ્સામાં મોટી ઇમારત અથવા કારમાં શરણ લેવા સલાહ આપવામાં આવે છે. જ્યારે ખુલ્લી જગ્યાથી દુર રહેવા, આસપાસ કોઇ જગ્યા ન હોય ત્યારે હાથ-પગને સંકોચી શરીરને નાનામાં નાનો આકાર આપીબેસી જવાન પણ સલાહ આપવામાં આવે છે.

વિશ્વમાં દર 1 સેકન્ડમાં 40 વખત આકાશી વીજળી પડે છે

દેશમાં આકાશી વિજળી પડવાના બનાવો વધ્યા છે ત્યારે બીજીતરફ સમગ્ર વિશ્વમાં એક અભ્યાસ પ્રમાણે દર એક સેકન્ડે 40 વખત વીજળી પડવાના બનાવો બને છે. દરરોજ 30 લાખ વખત અને એક વર્ષમાં એક અરબ 40 કરોડ વખત વીજળી પડે છે. ભારતમાં આ આંકડો 1.85 કરોડ છે.

આકાશી વીજળીમાં એક અરબ વોલ્ટની તાકાત

આકાશી વીજળીમાં અપાર તાકાત હોય છે. સામાન્ય રીતે ભારતના ટીપીકલ મકાનોમાં દર મહિને 260 કિલોવોટની ઇલેક્ટ્રીકસિટીની જરૂર પડે છે. જ્યારે આકાશી વીજળીમાં એક અરબ વોલ્ટની તાકાત હોય છે. જે તેને અન્યો માટે જોખમી સાબિત કરે છે.


  • Follow us on: