- વન વિભાગે ચંદન્ચોરી કરતી ગેંગ ઝડપી
- ફરાર આરોપીઓની શોધખોળ શરુ કરી
- ઝડપાયેલા આરોપીઓ પાસેથી મુદ્દામાલ કબજે કરાયો
જુનાગઢ જિલ્લાના સાસણમાં જંગલમાં પુષ્પા ફિલ્મની જેમ ચંદનના લાકડાની ચોરી કરતી ગેંગ ઝડપાઈ છે. વન વિભાગે 21 આરોપીઓની ધરપકડ કરી હતી અને અન્ય ફરાર આરોપીઓની શોધખોળ હાથ ધરી હતી.
ચંદનના લાકડાનું કટિંગ કરતી ગેંગ મધ્યપ્રદેશની વતની
સાસણ ગીરના ભોજદે વિસ્તારમાં ચંદનના વૃક્ષોનું કટિંગ થયાનું વન વિભાગને ધ્યાને આવતા સ્ટાફે અલગ અલગ ટીમો બનાવીને એક જ રાતમાં ચંદનનું કટિંગ કરવામાં સંડોવાયેલ મધ્યપ્રદેશની આખી ગેંગેને ઝડપી લેતા સનસનાટી મચી જવા પામી છે. હાલ વન વિભાગે 13 મહિલા અને 8 પુરુષોની ધરપકડ કરીને વધુ તપાસ શરુ કરી છે.
વન વિભાગે ટ્રેપ ગોઠવી આરોપીઓને ઝડપ્યા
આ અંગે જૂનાગઢ સીસીએફ આરાધના શાહુએ જણાવ્યું હતું કે, સોમવારની રાતે ભોજદે વિસ્તારમાં ગીર પશ્ચિમ વિભાગના સ્ટાફના પેટ્રોલિંગ દરમિયાન અમુક ચંદનના ઝાડમાં કાપા મારેલા હોવાનું નજરે ચડ્યું હતું, જેને લઈને બાદમાં વન વિભાગના સ્ટાફે તે રાતે ટ્રેપ ગોઠવી હતી, અને તેમાં એક શખ્સને રંગેહાથ ઝડપી લીધો હતો, અને અન્ય વ્યક્તિઓ નાસી ગયેલા હતા, જેને પકડવા માટે વન વિભાગની અલગ અલગ ટીમો બનાવીને વેરાવળ, તાલાળા, જેતલસર સહિતના વિસ્તારોમાં કોમ્બિંગ કરીને એક જ રાતમાં કુલ 21 લોકોને હિરાસતમાં લેવામાં આવ્યા છે.
13 મહિલા અને 8 પુરુષોની ધરપકડ
જેમાં 13 મહિલા અને 8 પુરુષોનો સમાવેશ થાય છે, તે બધા મધ્યપ્રદેશના વતની છે, અને તેઓ અહી જંગલ વિસ્તારમાં ચંદનના વૃક્ષો કાપવા માટે આવ્યા હતા, હાલ તો તમામની ધરપકડ કરીને તેમની પાસેથી ચંદનના ઝાડ કાપવાના સાધનો અને અન્ય મુદ્દામાલ, લાકડા સહિતનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે, હજુ આ ગેંગમાં કોણ કોણ છે, તેમજ કેટલા સમયથી અહી આવેલા અને તે સહિતના મુદે તપાસ ચાલી રહી છે, જે અંગે આવતીકાલે પૂર્ણ તપાસ બાદ સંપૂર્ણ વિગતો જાહેર કરવામાં આવશે.
ગિરનાર જંગલમાં પેટ્રોલિંગ વધતા ચંદનચોર સાસણ ગીર તરફ વળ્યા
ચંદન ચોરી માટે પહેલા ગીરનારનું જંગલ ફેવરીટ હતું, પરંતુ છેલ્લા એકાદ વર્ષથી અહી સ્ટાફ દ્વારા સઘન પેટ્રોલિંગ શરુ કરવામાં આવતા આ પરપ્રાંતીય ગેંગ હવે સાસણ ગીર તરફ વળી હોય તેવું લાગી રહ્યું છે.
ગીરનાર જંગલમાં એક વર્ષ પહેલા ઓગસ્ટ 2021 ના મહિનામાં ઉપલા દાતારના 300 પગથીયા પાસેથી અમુક ચંદનના વૃક્ષોનું કટિંગ થયું હતું, ત્યારે ગીરનાર રેંજના સ્ટાફે વોચ ગોઠવીને ઔરંગાબાદના ત્રણ શખ્સોને ચંદનના લાકડા અને ઝાડ કાપવાના સાધનો સાથે ઝડપી લીધા હતા. ત્યાર બાદ બે માસ પછી જ ભવનાથથી લાલઢોરી જવાના રસ્તે પણ ચંદનના 12 જેટલા વૃક્ષોનું કટિંગ થયેલું તેમાં પણ વન વિભાગે ટોળકીને ઝડપી લીધી હતી. ત્યારથી ચંદન ચોરી માટે આવતી પરપ્રાંતીય ગેંગ ગીરનાર બાદ સાસણ તરફ વળી હતી, અને ગીર જંગલમાં સક્રિય થતા સ્ટાફની નજરે ચડી ગયેલ અને પકડાઈ ગયેલ છે.
સાસણ, જામવાળા, જશાધારમાં 55 ટીમો કાર્યરત
વન્યપ્રાણીઓની પજવણી અને ચંદન ચોરી અટકાવવા માટે વન વિભાગ દ્વારા સાસણ, જામવાળા અને જશાધાર રેંજમાં 3 રેસ્ક્યુ ટીમ, એક મોબાઈલ વાન, એક ટાસ્ક ફોર્સ ડીવીઝનની રચના કરીને કુલ 275 ના સ્ટાફ સાથેની 55 ટીમો કામ કરી રહી છે. ટાસ્ક ફોર્સમાં પોલીસ અને વન વિભાગ સંયુક્ત રીતે કામગીરી કરી રહી છે.









