• રાજન ફલેટમાં રહેતા એક જ પરિવારના 4 સભ્યોના શંકાસ્પદ મોત
  • રાત્રે ભોજન લીધા બાદ પરિવાર સવારે ઉઠયો નહી
  • જંહાગીરપુરા વિસ્તારમાં બની ઘટના

સુરતમાં એક જ પરિવારના 4 સભ્યોના શંકાસ્પદ મોત થયા છે.રાજન ફલેટમાં રહેતા એક જ પરિવારના 4 સભ્યોના મૃતદેહ મળતા પોલીસ ઘટના સ્થળે પહોંચી છે.જહાંગીરપુરામાં આ ઘટના બની હોવાનું સામે આવ્યું છે.રાત્રે ભોજન લીધા બાદ પરિવાર સુઈ ગયો હતો.મૃતકોના પરિવારજનો પહોંચ્યા ઘટના સ્થળે.મૃતકોમાં 3 મહિલા અને એક વૃધ્ધનો મળ્યો મૃતદેહ.

રાજન રેસિડેન્સીમાં બનાવ બન્યો

[[$googlead]]

જહાગીરપુરામાં આવેલી રાજન રેસિડેન્સીમાં આ બનાવ સામે આવ્યો છે. ઘટનાને પગલે આજુબાજુના ઘરમાંથી પણ લોકો એકત્ર થઈ ગયા છે. ઘટના પાછળનું કારણ હાલ અકબંધ છે. પોલીસે આજુબાજુના ઘરના લોકોનું નિવેદન લેવાનું શરૂ કર્યું છે.પોલીસે મૃતદેહનો કબજો મેળવી પીએમ અર્થે ખસેડવાની કામગીરી શરૂ કરાઈ છે.

[[$alsoread]]


મૃતકોના નામ

જશુબેન કેશવભાઈ વાઢેર (ઉં.વ.58)

શાંતુબેન વાઢેર (ઉં.વ.55)

ગૌબેન હીરાભાઈ વાઢેર (ઉં.વ. 55)

હીરાભાઈ દાનભાઈ મેવાડા (ઉં.વ. 60)

ઘરમાં ગેસ ગીઝર ચાલુ હતુંઃ ડીસીપી

ડીસીપી રાકેશ બારોટે જણાવ્યું હતું કે, જશુબેન છે એ ઘરમાલિક છે. જ્યારે બીજી બે મહિલા છે એ તેમની બહેનો છે. જ્યારે પુરૂષ છે તે તેમના બનેવી છે. જશુબેનના દીકરાનું ઓપરેશન કર્યું હોવાથી ત્રણેય તેમના ખબર અંતર પૂછવા આવ્યા હતા. રાત્રે જશુબેનના દીકરાના ઘરે બધા જમ્યા હતા. જમ્યા પછી બધા જશુબેનના ઘરે ગયા હતા. ઘટનાસ્થળે વોમિટિંગ કર્યાનું જોવા મળ્યું છે. આથી ફૂડ પોઈઝનિંગ થયુ હતું કે પછી કોઈ ઝેર લીધું હતું તે અંગે તપાસ ચાલી રહી છે.

ગેસ ગુંગળામણથી મોતની આશંકા

રાજન રેસિડેન્સીના ઈ બિલ્ડિંગના પાંચમાં માળે 504 નંબરના ફ્લેટમાં આ બનાવ બન્યો છે. અંદર પ્રવેશતા એક વૃદ્ધનો મૃતદેહ જમીન પર ગાદલા પર પડ્યો હતો. તેની સામે જ સેટી પર બે મહિલાના મૃતદેહ પડ્યા હતા. જ્યારે એક મહિલાને વોમિટિંગ થયા બાદ ઊંધા પડેલા જોવા મળ્યા હતા. આ ઘટનાથી રહસ્ય ઘેરાયું છે, કારણ કે, ઘટનામાં ચારેયે આપઘાત કર્યો છે કે ફૂડ પોઈઝનિંગથી મોત થયું છે? આ સવાલ હાલ ઉઠ્યો છે. જો કે, પોલીસ તપાસ બાદ જ ઘટનાનું સાચુ કારણ જાણવા મળશે.

શું કહેવું છે પરિવારજનોનું

કાકા કોરોનામાં ગુજરી ગયા હતા. મારા કાકી અને તેના બે છોકરા અહીં રહે છે. મૃતકોમાં ત્રણ મહિલા અને એક પુરૂષ છે. ત્રણેય બહેનો છે, ગામડેથી આવ્યા છે એને હું ઓળખતો નથી. ગઈકાલે રાત્રે બધા સાથે જમ્યા હતા. બાદમાં સવારે તેના પરિવારના એક બહેન નાસ્તો લઈને આવ્યા ત્યારે ઘરમાં બધા ગમે તેમ પડેલા હતા. પોલીસની કાર્યવાહી થાય અને મેડિકલ રિપોર્ટ આવે તેના પર બધો મદાર છે. પરિવારમાં પાંચ સભ્યો છે. જેમાં નાનો દીકરો ગોવા છે અને બીજો અહીંયા જ રહે છે.

સવારે ઉઠયા નહી તો પાડોશીએ પરિવારજનોને જાણ કરી

રાજન રેસિડેન્સીના પાંચમા માળે ફ્લેટમાં ચાર લોકો રહેતા હતા, જેમાં ત્રણ મહિલા અને એક પુરુષનો સમાવેશ થાય છે. તમામની ઉંમર 55થી 60 વર્ષની છે. રાત્રે જમ્યા બાદ ચારેય સૂતાં હતાં અને સવારે ઉઠયા જ નહીં અને મૃત હાલતમાં મળ્યા છે. બાજુમાં જ પરિવારનો એક પુત્ર રહે છે. તેણે સવારે દરવાજો ખખડાવ્યો પણ ખોલ્યો નહોતો, આથી તેની પાસે બીજી ચાવી હતી એનાથી ઘરનો દરવાજો ખોલ્યો હતો. અંદર જોતા ચારેય મૃત હાલતમાં જોવા મળ્યા હતા.  

સુરતના લિંબાયતમાં ત્રણ મહિના પહેલા પરિવારનો આપઘાત

સુરતના લિંબાયત વિસ્તારમાં ત્રણ મહિના પહેલા એક જ પરિવારના ત્રણ સભ્ય દ્વારા સામૂહિક આપઘાત કરવામાં આવ્યો હતો. પતિ દ્વારા પત્ની અને દીકરાને ઝેરી દવા પીવડાવ્યા બાદ પતિએ ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. આ બનાવ રાત્રિના ત્રણેક વાગ્યાની આસપાસ બન્યો હતો. સવારે તેમના ભાઈ 7:15 વાગ્યે ઘરે આવ્યા ત્યારે જાણ થઈ કે આ પ્રકારનો બનાવ બન્યો છે. 

3 મે 2024ના રોજ ભરૂચમાં એક જ પરિવારના લોકોનો મૃતદેહ મળ્યો

સુરતમાં મૈયતમાં આવેલા ભરૂચના પરિવારના ત્રણ સભ્યોની સુરતના જહાંગીરપુરા બાયપાસ રોડ પર કેનાલમાંથી લાશ મળી આવતા ખળભળાટ મચ્યો હતો. મૃતકોમાં સગર્ભા મહિલા અને એક નાના બાળકનો સમાવેશ થાય છે. પરિવારે કોઈક કારણોસર સામુહિક આપઘાત કર્યો કે અકસ્માતમાં તમામના મૃત્યુ નિપજ્યા તેની તપાસ પોલીસે શરૂ કરી છે.

5 મે  2024ના રોજ વડોદરામાં સામૂહિક આપઘાતની ઘટના

તરસાલી વિસ્તારમાં રહેતા એક સોની પરિવારે શેરડીના રસમાં ઝેર ભેળવીને સામુહિક આત્મહત્યા કરી હતી. આ ઘટનામાં સસરા અને પુત્રવધૂનું કરુણ મૃત્યુ નિપજ્યું છે. જ્યારે પિતા-પુત્ર જીવન-મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યા છે. પોલીસ તપાસમાં શેરડીના રસમાં ઝેર ભેળવી પીધાનું ખુલ્યું છે. હવે શેરડીના રસમાં ઝેર કોણે ભેળવ્યું એ રહસ્ય ઘેરાયું છે. મૃતક સસરા અને પુત્રવધૂના પરિવારના મોભીએ પોલીસ જાણ બહાર અંતિમસંસ્કાર કરી નાખ્યા હતા.

22 મે 2024ના રોજ રાજકોટના પડધરીમાં સામૂહિક આપઘાતની ઘટના

પડધરી વિસ્તારમાં સામુહિક આપઘાતનો કિસ્સો સામે આવ્યો હતો. શહેરમાં પડધરી વિસ્તારની એક રિક્ષામાં પતિ, પત્ની અને પુત્રના મૃતદેહો મળતા ચકચાર મચી ગઇ હતી. પડધરી પોલીસ અને રૂરલ પોલીસ ઘટના સ્થળે પહોંચીને આ અંગે તપાસ હાથધરી હતી.

 

  • Follow us on: