રાજકોટ ગ્રામ્યમાંથી 4 પાકિસ્તાની ઝડપાયા હોવાની વાત સામે આવી છે, લોધીકા વિસ્તારમાંથી સગીર સહિત 4 ઝડપાયા છે, વર્ષો પૂર્વે પાકિસ્તાનથી ભારત આવ્યા હતા અને ભારત આવ્યા બાદ પાકિસ્તાન પરત ફર્યા ન હતા, તો સમગ્ર ઘટનાને લઈ LCB અને SOG દ્વારા તપાસ ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે.
પોલીસે બાતમીના આધારે ઝડપ્યા પાકિસ્તાનીઓ
પોલીસને બાતમી મળી હતી કે લોધીકાના ગ્રામ્ય વિસ્તારમાં 4 પાકિસ્તાનીઓ રહે છે, ત્યારે પોલીસે બાતમીના આધારે દરોડા પાડતા 4 પાકિસ્તાનીઓ મળી આવ્યા હતા અને હાલમાં તેમની પૂછપરછ ચાલી રહી છે. પોલીસે આ પાકિસ્તાનીઓ પાસે ભારતના રહેણાંકના પુરાવા માંગ્યા હતા પરંતુ તે લોકો પુરાવા આપી શક્યા ન હતા, ભારતીય ચૂંટણી કાર્ડ, આધાર કાર્ડ સહિતના પુરાવાઓ હતા નહીં. ત્યારબાદ પૂછપરછ કરતા તેઓ પાકિસ્તાની હોવાનું સામે આવ્યું હતું અને તેઓ લગભગ દોઢ-બે દાયકા પહેલા પાકિસ્તાનથી રાજકોટ આવ્યા હોવાનું સામે આવ્યું હતું. કોના ઘરમાં રહેતા હતા તે ઘરના માલિકની પણ પૂછપરછ કરવામાં આવશે.
પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો
સમગ્ર ઘટનામાં પોલીસના ઉચ્ચ અધિકારીઓ પણ તપાસ અર્થે પાકિસ્તાનીઓને સવાલો કરી રહ્યાં છે, ત્યારે લોધીકામાં શું કામ કરતા હતા અને તેમના મોબાઈલમાં કોના કોના ગ્રુપો છે તે દિશામાં પણ પોલીસે તપાસ હાથધરી છે, જમ્મુ કાશ્મીરના પહેલગાંવમાં થયેલા આતંકવાદી હુમલા બાદ ભરૂચના હાંસોટમાંથી 71 વર્ષીય પાકિસ્તાની મહિલા સઈદા બીવીને પરત મોકલવામાં આવ્યા છે. સઈદા બીવી ચાર દાયકાથી પરિવાર સાથે પાકિસ્તાનના કરાચીમાં રહે છે.









