- મધ્ય ગુજરાતમાંથી વડોદરા-દાહોદનો સમાવેશ કરાયો
- સરેરાશ વીજ વપરાશ જેટલું પહેલેથી જ રિચાર્જ વીજગ્રાહકો દ્વારા કરી શકાશે
- વપરાશ વધે અને બેલેન્સ પૂર્ણ થાય તો તેની પણ આગોતરી જાણકારી મીટર આપશે
દાહોદ સ્માર્ટ સીટી બનવા જઈ રહ્યુ છે ત્યારે હવે વીજળી વિભાગ પણ સ્માર્ટ બનવા જઈ રહ્યો હોય તેમ લાગી રહ્યુ છે. કારણ કે મધ્ય ગુજરાતમાં વડોદરા બાદ દાહોદ શહેરનો સમાવેશ પ્રીપેઈડ મીટર નાખવાના પાયલોટ પ્રોજેકટમા કરાયો છે. આગામી સમયમાં સમગ્ર દાહોદ શહેરમા પ્રીપેઈડ મીટર લગાવી દેવામાં આવશે.
એક માત્ર નગર પાલિકા વિસ્તાર દાહોદ શહેરનો સમાવેશ સ્માર્ટ સીટી પ્રોજેક્ટમાં કરવામા આવ્યો છે.આશરે 1200 કરોડનો માતબર ખર્ચ કરીને શહેરનો ક્ષ્કાયાકલ્પખ્કરીને શહેરને સ્માર્ટ બનાવવાની કામગીરી ચાલી રહી છે.સ્માર્ટ સીટી પ્રોજેક્ટ અંતર્ગત જ શહેરના ઐતિહાસિક છાબ તળાવનુ રુપિયા 119 કરોડના ખર્ચે બ્યુટીફીકેશન કરીને અત્યાધુનિક બનાવવામા આવ્યુ છે અને તેનું નામકરણ સિધ્ધરાજ જયસિંહ તળાવ કરાયુ છે.હવે મધ્ય ગુજરાત વીજ કંપની પણ આધુનિકીકરણ કરી ડીજીટલ બનાવવા તરફ્ જઈ રહ્યી છે.જેના અનુસંધાને તમામ ઘરોમા પ્રીપેઈડ વીજ મીટર લગાવવાનુ નક્કી કરવામા આવ્યુ છે.જેના પાયલોટ પ્રોજેક્ટમાં મધ્ય ગુજરાતમાંથી સ્માર્ટ સીટી વડોદરા અને દાહોદનો સમાવેશ કરવામા આવ્યો છે.જેથી સમગ્ર મધ્ય ગુજરાતમાં પ્રીપેઈડ વીજ મીટર દાહોદ અને વડોદરામા લગાવવામા આવશે.
દાહોદ શહેરમાં આશરે 40 હજાર વીજ કનેક્શન છે.આ તમામ વીજ ગ્રાહકોના ઘરે પ્રીપેઈડ મીટર લગાવવામા આવશે.તેના માટે ટેન્ડરીંગની કામગીરી પણ પૂર્ણ કરી દેવામા આવી છે.આ પ્રીપેઈડ મીટર જ્યારે લાગશે ત્યારે ગ્રાહક પોતાના સરેરાશ વીજ વપરાશના બીલની રકમ પહેલેથી જ ચુકવીને વીજ પુરવઠો મેળવી શકશે.મોબાઈલના સીમ કાર્ડ માફ્ક રોજે રોજ કેટલો વપરાશ થયો અને તેના અનુસંધાને કેટલી રકમ કપાઈ તેની જાણકારી પ્રીપેઈડ મીટર જ ગ્રાહકને આપશે.જો કોઈ કારણોસર વીજ વપરાશ વધી જાય અને બેલેન્સ પૂર્ણ થવામા હશે તો તેની પણ આગોતરી જાણકારી મીટર આપી દેશે.જો બેલેન્સ પૂર્ણ થઈ જાય તો રિચાર્જ કરાવવા માટે કેટલાક દિવસની મુદત પણ આપવામા આવશે તેવી જાણકારી પણ મળી છે.જો મુદત બાદ પણ રિચાર્જ નહી કરાવાય તો વીજ જોડાણ આપોઆપ જ કપાઈ જશે.જેથી લાઈટ બીલનુ રીડીંગ લઈ ને બીલ આપવાની,બીલ ન ભરે તો ઉઘરાણી કરવાની અને છેવટે વીજ જોડાણ કાપવા આવવાની ઝંઝટ બંધ થઈ જશે.આમ દાહોદ શહેરમાં પ્રીપેઈડ વીજ મીટરો લાગી જતા વીજ વિભાગ સ્માર્ટ સેવા પુરી પાડશે તેમ લાગી રહ્યુ છે.
MGVCL કચેરીએ બિલ બારી બંધ થઈ શકે
હાલમા લાઈટ બીલ ભરવા માટે એમજીવીસીએલની કચેરીએ આવેલી બીલ બારી પર તેના નિયત સમયે જવુ પડે છે.જો કે હવે ઓનલાઈન પેમેન્ટ પણ કરાય છે ત્યારે દાહોદમા પ્રીપેઈડ વીજ મીટરો લાગી જશે ત્યારે સંપૂર્ણ ડીજીટલાઈઝેશન કરવાનુ આયોજન વિચારાધીન છે.જેથી આવનાર સમયમાં બીલ બારીના શટર ડાઉન થઈ જાય તો નવાઈ પામવા જેવુ નહી હોય.
દાહોદ શહેરનો પાયલોટ પ્રોજેક્ટમાં સમાવેશ
એમજીવીસીએલના કાર્યપાલક ઈજનેર સી.પી.બારિયાએ જણાવ્યુ હતુ કે પ્રીપેઈડ વીજ મીટર માટે દાહોદ શહેરનો સમાવેશ પાયલોટ પ્રોજેક્ટમા કરાયો છે. ટૂંક સમયમા દાહોદમા પ્રીપેઈડ મીટર લગાવવાની કામગીરી શરુ કરાશે.ભવિષ્યમા બીલીંગ સીસ્ટમ ડીજીટલ કરવાનુ આયોજન છે. સી.પી.બારીયા, દાહોદ પાયલોટ પ્રોજેક્ટ