• ચાર રસ્તે રેડ સિગ્નલ થતાં જ ટુ-વ્હીલર પરના કર્મીઓ પાસેથી બેગ ઝૂંટવી લીધી

  • સમકિત નિધિ આંગડિયા પેઢીની રોકડ લૂંટાઈઃ સીસીટીવી ફૂટેજની ચકાસણી શરૂ

સીજી રોડ પર સમકિત નિધિ આંગડિયા પેઢીના બે કર્મીઓ પાસેથી રૂ. 42 લાખ ભરેલ બેગ બે શખ્સો ઝૂંટવીને ત્યાંથી બાઇક પર નાસી ગયા હતા. લૂંટનો બનાવ બનતા ડીસીપી, ક્રાઇમ બ્રાન્ચ સહિતનો પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. આ અંગે આંગડિયા પેઢીના કર્મીએ નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં રૂ. 42 લાખની લૂંટની ફરિયાદ નોંધાવી હતી. ઝોન 1 ડિસીપીએ જણાવ્યુ કે, આંગડિયા પેઢીના કર્મી પાસેથી બે શખ્સો 42 લાખ ભરેલ બેગ ઝૂંટવીને ભાગી ગયા છે. નારણપુરા વિસ્તારમાં જીવન સ્મૃત સોસાયટીમાં રહેતા કુમારપાળ ભોગીલાલ શાહ સીજી રોડ પર સમકિત નિધી આંગડિયા પેઢીમાં નોકરી કરે છે.

સોમવારે સાંજના 6 વાગ્યે સહકર્મી ધર્મેશભાઇ સાથે ઓફિસે હાજર હતા ત્યારે તેમની આંગડિયા પેઢીના માલિક ભાવેશએ કુમારપાળ અને ધર્મેશને કહ્યુ કે, સમુદ્ર કોમ્પ્લેક્ષમાં આવેલા મહેન્દ્ર સોમા નામની આંગડિયા પેઢીમાંથી હિસાબના રૂ. 42 લાખ લઇ આવો. જેથી કુમારપાળ પેમેન્ટ લેવા ગયા હતા. 42 લાખ કાળા કલરની બેગમાં ભર્યા હતા. બાદમાં એક્સેસમાં બેગ મૂકીને બન્ને ઓફિસે આવતા હતા. બોડી લાઇન ચાર રસ્તા પાસે સિગ્નલ બંધ હોવાથી ઉભા હતા. ત્યારે પાછળ એક બાઇક પર બે શખ્સો આવ્યા અને એક શખ્સ બાઇક પરથી નીચે ઉતરીને એક્સેસ પરથી રૂપિયા ભરેલ બેગ લઇને બન્ને શખ્સો નાસી ગયા હતા. કુમારપાળ અને ધર્મેશે પીછો કર્યો હતો. પરંતુ તેઓ લો ગાર્ડન તરફ ભાગી ગયા હતા. કુમારપાળે માલિકને ફોન કરીને જાણ કરી હતી. કુમારપાળે નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં બે શખ્સો વિરૂદ્ધ ચીલઝડપની ફરિયાદ નોંધાવી હતી.


  • Follow us on: