• ધો.1થી 8ના 2600 શિક્ષકની ભરતી પ્રક્રિયા
  • 15મી ડિસેમ્બર આસપાસ પ્રોવિઝનલ મેરિટની શક્યતા
  • ગત ભરતીમાં રાજ્યમાથી અંદાજે 76 હજારથી વધુ અરજી આવી હતી

રાજ્યની સરકારી પ્રાથમિક શાળાના ધોરણ.1થી 8ના શિક્ષકની ભરતી માટેની હાથ ધરાયેલી પ્રક્રિયામાં અત્યારે ટ્રાયલ વાળા ઉમેદવારોની વેરિફીકેશનની પ્રક્રિયા ચાલી રહી છે. આ વખતે વિદ્યાસહાયકની કુલ 2,600 જગ્યા માટે હાથ ધરાયેલી ભરતીમાં કુલ 46 હજાર જેટલી અરજી આવી હોવાનું સુત્રો પાસેથી જાણવા મળ્યું છે. જોકે ગત ભરતીમાં રાજ્યમાથી અંદાજે 76 હજારથી વધુ અરજી આવી હતી, જેની સામે આ વખતે 30 હજાર જેટલા ઉમેદવારો ઘટી ગયાં છે. આ ભરતીનું પ્રોવિઝનલ મેરીટ લીસ્ટ વિધાનસભાની ચૂંટણી પૂર્ણ થયા બાદ 15મી ડીસેમ્બર આસપાસ આવવાની શક્યતાઓ જણાય છે. રાજ્ય સરકાર દ્વારા પ્રાથમિક શાળાના શિક્ષકોની ખાલી પડેલી 5,360 જગ્યા પર બે તબક્કામા ભરતી કરવાની જાહેરાત કરવામાં આવી હતી. જેમા ટેટની પરીક્ષા લેવાય એ પહેલા પ્રથમ તબક્કાની કુલ 2600 જગ્યા પર ભરતી પ્રક્રિયા હાથ ધરાઈ છે. જેમાં સામાન્યની કુલ 1,924 જગ્યાઓ છે જેમા ધોરણ.1થી 5માં 961 અને ધોરણ.6થી 8માં 963 જગ્યા છે. સામાન્યની જગ્યા માટે 26 હજાર જેટલા ફોર્મ ભરાયાં છે. આ સિવાય ઘટની કુલ 676 જગ્યાઓમા ધોરણ.1થી 5ની 39 અને ધોરણ.6થી 8ની 637 જગ્યા છે, જેમાં કુલ 21 હજાર જેટલા ફોર્મ ભરાયાં છે. આ ભરતી પ્રક્રિયામાં જે લાયકાત નક્કી કરવામાં આવી છે તેમાં 2 હજાર જેટલા ઉમેદવારો એવા છે કે, કોઈ ડિગ્રી બે ટ્રાય સાથે મેળવી છે. જેથી આવા ટ્રાયલવાળા ઉમેદવારોના ડોક્યેમેન્ટ્સ અને તેમના માર્કસની ગણતરીનું વેરિફિકેશન ચાલી રહ્યું છે. સુત્રો પાસેથી મળતી વિગતો મુજબ, પ્રોવિઝનલ મેરીટ જાહેર થાય તેની તમામ પ્રક્રિયા ભરતી બોર્ડ દ્વારા પૂર્ણ કરી દેવામાં આવી છે. જેથી ગુજરાત વિધાનસભાની ચૂંટણી પૂર્ણ થયા બાદ થોડા જ દિવસોમાં પ્રોવિઝનલ મેરીટ જાહેર થવાની શક્યાતાઓ છે.