રાજકોટ શહેરમાં ચાના વ્યવસાય સાથે સંકળાયેલા વ્યક્તિ દ્વારા ફિઝિયોથેરાપિસ્ટ ડોક્ટર સાથે મળીને વીમા કંપનીને 40 લાખ રૂપિયાનો ચૂનો લગાવવાનો પ્રયત્ન કર્યો હતો. જોકે થર્ડ પાર્ટી ઇન્સ્યોરન્સ ઓડિટ કરનારી એજન્સી દ્વારા ઇન્સ્યોરન્સ પોલીસી હોલ્ડર તેમજ ડોક્ટર સહિતનાની કારીગરી તપાસ દરમિયાન બેનકાબ કરી હોવાનું સામે આવ્યું છે.ગાંધીગ્રામ પોલીસ દ્વારા ડોક્ટર અને પોલીસી હોલ્ડર સહિત કુલ પાંચ જેટલા વ્યક્તિઓની ધરપકડ કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું હતું.


[[$googlead]]

દેવું ઉતારવા માટે ઇન્સ્યોરન્સ કંપનીને ચૂનો લગાડવાનું નક્કી કર્યું

રાજકોટ શહેરમાં માધાપર ચોકડી નજીક આવેલી વોરા સોસાયટી પાસે રહેતા અને ચા ના વ્યવસાય સાથે સંકળાયેલા 30 વર્ષીય મયુર છુછાંર નામના વ્યક્તિ ઉપર દેવુ થઈ ગયું હતું. દેવું ઉતારવા માટે તેણે ઇન્સ્યોરન્સ કંપનીને ચૂનો લગાડવાનું નક્કી કર્યું હતું.આ માટે તેણે પોતાના જાણીતા ડોક્ટર અંકિત કાથરાણીનો સંપર્ક સાધ્યો હતો. મયુર અને ડોક્ટર અંકિત કાથરાણી વચ્ચે સોદો નક્કી થયો હતો.જે મુજબ મયુરને પેરાલીસીસનો એટેક આવ્યો હોવાથી તે બાબત કેશ પેપર પર પ્રસ્થાપિત કરવાની છે. તેમજ તેના માટે લેબોરેટરી ખાતેથી બનાવટી બ્લડ રિપોર્ટ, સિવિલ હોસ્પિટલની લેબના બનાવટી MRI રિપોર્ટ તેમજ ડોક્ટરના કન્સલ્ટેશન રિપોર્ટ સહિતની લગતી બાબતોના પેપર તૈયાર કરાવવાનું નક્કી કરવામાં આવ્યું હતું.

[[$alsoread]]

ભાવિક માંકડ નામના કર્મચારીની પોલીસે ધરપકડ કરી

ડોક્ટર અંકિત કાથરાણી અને પોલીસી હોલ્ડર મયુર વચ્ચે નક્કી થયેલા પ્લાન મુજબ ક્લેમની રકમ 40 લાખ મૂકવાનું નક્કી કરાયુ હતું.ઇન્સ્યોરન્સ કંપની જ્યારે ક્લેમની રકમ ચૂકવે ત્યારે 40 લાખ પૈકી દસ લાખ રૂપિયા ડોક્ટર અંકિતને મયુરે આપવાના રહેશે એવી બંને વચ્ચે ડીલ નક્કી થઈ હતી.તબીબી બાબતોને લગતા રિપોર્ટ તેમજ હોસ્પિટલમાં ટ્રીટમેન્ટ તેમજ ડોક્ટરના કન્સલ્ટેશન સહિતની બાબતો ડો.અંકિત સંભાળી લેશે તેવું બંને વચ્ચે નક્કી થયું હતું.રાજકોટના લાખના બંગલા પાસે આવેલી સમર્પણ હોસ્પિટલમાં મયુરને દાખલ કરવાથી માંડીને ડિસ્ચાર્જ કરાવવા સહિતની પ્રોસેસ ડોક્ટર અંકિત દ્વારા કરાવવામાં આવી હતી.હોસ્પિટલ ખાતે બનાવટી ફાઈલ પણ બનાવવામાં આવી હતી.જે તમામમાં ડોક્ટર અંકિતનો સાથ આપ્યો હતો. સમર્પણ હોસ્પિટલ ખાતે કામકાજ કરનારા ભાવિક માંકડ નામના કર્મચારીની પોલીસે ધરપકડ કરી છે.

દર્દીનો નકલી MRI રિપોર્ટ પણ બનાવી આપવામાં આવ્યો

ડોક્ટર અંકિત કાથરાણી દ્વારા મયુરના બનાવટી MRI રિપોર્ટ બનાવવા માટે હિતેશ રવૈયાનો સંપર્ક કરવામાં આવ્યો હતો.ત્યારે બનાવટી MRI રિપોર્ટ બનાવવા માટે 5000 રૂપિયા હિતેશ રવૈયા દ્વારા ડોક્ટર અંકિત કાથરાણી પાસેથી લેવામાં આવ્યા હતા.તેમજ ત્યારબાદ હિતેશ રવૈયા દ્વારા તે ₹5,000 પૈકી 2500 રૂ.રાજકોટ શહેરના સિવિલ હોસ્પિટલ ખાતે આવેલ સહયોગ ઇમેજિંગ સેન્ટર ખાતે કામકાજ કરનારા હિમાંશુ રાઠોડને આપવામાં આવ્યા હતા. ત્યારે હિમાંશુ રાઠોડ દ્વારા 2500 રૂ.લઈ મયુર છુછાંર નામના દર્દીનો નકલી MRI રિપોર્ટ પણ બનાવી આપવામાં આવ્યો હતો.ત્યારે પોલીસ દ્વારા હાલ સમગ્ર મામલે પાંચ જેટલા આરોપીઓની ધરપકડ કરી લેવામાં આવી છે.


  • Follow us on: