• તાલુકાના અનેક ગામોમાં જળ બંબાકારની સ્થિતિ
  • ઓસમ પર્વત પર નયનરમ્ય દ્રશ્ય સર્જાયું
  • વીંછીયામાં પણ લાંબા વિરામ બાદ ધોધમાર વરસાદ


ગુજરાતમાં ચોમાસું સત્તાવાર બેસી ગયું છે, ત્યારે છેલ્લા કેટલાક દિવસોથી સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત તેમજ મધ્ય ગુજરાતના ભાગોમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે, બંગાળની ખાડીમાં હળવું દબાણ સર્જાયું છે, જે મધ્ય પ્રદેશથી ગુજરાત તરફ આવી રહ્યું છે. જેના કારણે આગામી 7 અને 8 જુલાઈના રોજ રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. બીજી તરફ આજે રાજકોટ જિલ્લાના ગ્રામ્ય પંથકમાં મેઘરાજાએ તોફાની બેટિંગ કરી છે.

રાજકોટ જિલ્લા ઉપલેટા તાલુકાના ગ્રામ્ય પંથકમાં 3 કલાકમાં 5 ઈંચ વરસાદ વરસ્યો છે. જેના કારણે તાલુકાના અનેક ગામો બેટમાં ફેરવાઈ ગયા છે. ઉપલેટા તાલુકાના લાઠ, ભીમોરા, હાડફોડી, સમઢીયાળા જેવા અનેક ગામોમાં ભારે વરસાદને પગલે જળ બંબાકારની સ્થિતિ સર્જાઈ છે.

જુઓ VIDEO: 



ભારે વરસાદને પગલે ધોરાજીના પાટણવાવા ઓસમ પર્વત પર નયનરમ્ય દ્રશ્ય જોવા મળી રહ્યાં છે. અહીં આવેલા ટપકેશ્વર મહાદેવ મંદિર નજીર ઓસમ ડુંગર પરથી ધોધ પડવાના કારણે અહલાદ્દક દ્રશ્ય સર્જાય છે.  

વીંછીયામાં લાંબા વિરામ બાદ મેઘરાજાનું આગમન

ઉપલેટા સિવાય વીંછીયા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી જોવા મળી રહી છે. અહીંના થોરિયાળી, પીપરડી, રૂપાવટી, કંધેવાળીયા, સનાળી, ઓરી, રેવાણીયા, અમરાપુરા, હિંડોળગઢ સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ જોવા મળી રહ્યો છે. વાવણી લાયક વરસાદથી ખેડૂતોમાં પણ ખુશીની લહેર જોવા મળી રહી છે.

આવી જ રીતે જસદણમાં પણ વહેલી સવારથી વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું. જો કે બપોર બાદ મેઘરાજાનું ધમાકેદાર આગમન થયું હતું. જસદણ અને આટકોટ ગ્રામ્ય પંથકમાં વરસાદ શરૂ થતાં ખેતરોમાં પાણી ભરાઈ ગયા છે.


  • Follow us on: