- અસ્થિર યુવકની સારવાર કરી પરત આવતા હતા
- ઇકો કારમાં રાઠવા પરિવારના 7 લોકો સવાર હતા
- અકસ્માત થતાં ગાડીમાં બેઠેલા સાત પૈકી પાંચ લોકો ગાડીમાં ફસાયા
છોટાઉદેપુર તાલુકામાંથી ગોધરા ખાતે માનસિક અસ્થિર યુવકને ઇકો કારમાં સારવાર માટે લાવવામાં આવ્યો હતો. ગોધરાથી સારવાર બાદ રાઠવા પરિવારના સભ્યો ઇકો કારમાં પરત ઘરે જઈ રહ્યા હતા તે દરમિયાન ગોધરા તાલુકાના પાસે સાંજે 6 વાગ્યાના અરસામાં ટેન્કર અને ઇકો કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત દરમિયાન સર્જાતાં ઇકો કારમાં સવાર સાત વ્યક્તિ પૈકી પાંચ વ્યક્તિના મૃત્યુ નિપજ્યાં છે. જ્યારે એક ઇજાગ્રસ્ત દેવગઢબારિયા અને બીજા ઇજાગ્રસ્તને વડોદરા ખાતે સારવાર લઇ જવાયો છે.
છોટાઉદેપુર તાલુકાના કાછેલ અને કોલીયાથર ગામના યુવકો એક માનસિક અસ્વસ્થ યુવકને લઇ ગોધરા ખાતે ઇકો ગાડીમાં સારવાર માટે લઈને આવ્યા હતા. ત્યાંથી તેઓ સારવાર કરાવી પરત પોતાના વતનમાં જવા નીકળ્યા હતા. એ વેળાએ શુક્રવારે સાંજે 6 વાગ્યાના અરસામાં ગોલ્લાવ ગામ નજીક ટેન્કર અને ઇકો ગાડી વચ્ચે અકસ્માત થતાં ગાડીમાં બેઠેલા સાત પૈકી પાંચ લોકો ગાડીમાં ફ્સાઈ ગયા હતા. જેઓને સ્થાનિકોએ દોડી જઇ ગાડીના દરવાજા સીધા કરી ઇજાગ્રસ્તોને બહાર કાઢયા હતા. અને 108 એમ્બ્યુલન્સ મારફતે પાંચ ઇજાગ્રસ્તને ગોધરા સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે લાવવા માટે ત્યાં આવ્યા હતા. જે પૈકી ચાર ઇજાગ્રસ્તોના કરુણ મૃત્યુ નીપજ્યા હોવાનું તબીબે જાહેર કર્યું હતું. જ્યારે એક ગંભીર ઇજાગ્રસ્તને વધુ સારવાર માટે વડોદરા રિફર કરાયો હતો.










