• અકસ્માતના ઈજાગ્રસ્તોને હોસ્પિટલે ખસેડવા પડયા

  • અમદાવાદમાં રોજના 73 કેસ સામે 113 ઈમરજન્સી કોલ્સ
  • ટાણે ગુજરાતમાં માર્ગ અકસ્માતની સંખ્યામાં વધારો થયો હતો

વર્ષ 2023ને વિદાય આપવા અને નવા વર્ષને આવકારવા માટે મોડી રાત સુધી રસ્તાઓ ધમધમ્યા હતા, આ ટાણે ગુજરાતમાં માર્ગ અકસ્માતની સંખ્યામાં વધારો થયો હતો, ગુજરાતમાં સામાન્ય દિવસોમાં માર્ગ અકસ્માતના 426 કોલ્સ 108 ઈમરજન્સી એમ્બ્યુલન્સને મળતાં હોય છે, જોકે 31મી ડિસેમ્બરના રવિવારે 519 માર્ગ અકસ્માતના કિસ્સા સામે આવ્યા હતા, એ જ રીતે અમદાવાદ શહેરમાં સામાન્ય દિવસોમાં રોજના 73 જેટલા અકસ્માતના કોલ્સ મળતાં હોય છે, જેની સામે 31મી ડિસેમ્બરે 113 કોલ્સ મળ્યા હતા.

અમદાવાદમાં નવા વર્ષને આવકારવા માટે સી.જી. રોડ અને એસ.જી. હાઈવે પર મોટી સંખ્યામાં લોકો ઉમટી પડયા હતા, રાતે 12 વાગ્યે એ પહેલાં જ લોકોની ભીડ જામી હતી, આ ટાણે વાહનોની અવર જવર વધી હતી, જેમાં અકસ્માતોની સંખ્યામાં વધારો થયો હતો. 108 એમ્બ્યુલન્સને 31મી ડિસેમ્બરે 519 માર્ગ અકસ્માતના કોલ્સ મળ્યા હતા. ગુજરાતમાં છેલ્લે દિવાળીના તહેવારો ટાણે અકસ્માતમાં 150 ટકા જેટલો જંગી ઉછાળો થયો હતો.

સિવિલમાં દારૂ પીધેલા 142 શંકાસ્પદોને તપાસ માટે લવાયા

31મી ડિસેમ્બરની ઉજવણીને ધ્યાને રાખી પોલીસે દારૂ પીધેલા વ્યક્તિઓને પકડવા માટે ઝુંબેશ હાથ ધરી હતી, અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે 31મીએ સાંજથી સવારે આઠ વાગ્યા સુધીમાં કુલ 52 જ્યારે પહેલી તારીખે સવારે 8થી સાંજ સુધીમાં 52 એમ કુલ 142 જેટલા દારૂ પીધેલા શંકાસ્પદને ટેસ્ટ માટે લવાયા હતા, પોલીસ દારૂ પીધેલી વ્યક્તિઓને અમદાવાદ સિવિલ હોસ્પિટલે લઈ આવી હતી, જ્યાં જે તે વ્યક્તિ કે આરોપીના ટેસ્ટ લેવાયા હતા.


  • Follow us on: