- હેલ્થ સેન્ટર પર ડૉગબાઇટના ઇન્જેક્શન આપવાનું શરૂ કરાયું
- એક વર્ષમાં 12685 કૂતરાંઓના રસીકરણના દાવા વચ્ચે રોજ 100થી વધુ કેસ
- 13,989 રખડતા કૂતરાંઓને પકડવામાં આવ્યા
શહેરમાં રખડતા કૂતરાંઓનો ત્રાસ યથાવત્ છે ત્યારે આજે એક જ દિવસમાં સ્મીમેર હોસ્પિટલમાં ડૉગબાઇટના 26 અને નવી સિવિલ હોસ્પિટલમાં 37 નવા કેસ નોંધાયા છે. ડૉગબાઇટની માહિતી જાહેર નહી કરવા ઉપરથી મનાઇ હોવાનો માજી અપક્ષ કોર્પોરેટર પ્રકાશ દેસાઇએ આક્ષેપ કર્યો છે.
રખડતા કૂતરાંઓના ત્રાસ વચ્ચે પાલિકા દ્વારા કાગળ પર કામગીરી ચાલતી હોવાનો આક્ષેપ કરી પ્રકાશ દેસાઇએ જણાવ્યું હતું કે પાલિકા સંચાલિત 53 હેલ્થ સેન્ટર તથા આઠ કોમ્યુનિટી હેલ્થ સેન્ટર પર ડૉગબાઇટના કેટલા કેસ આવ્યા તેની માહિતી જાહેર કરવામાં આવતી નથી. આ અંગે મે પૂછપરછ કરી તો મને એવો જવાબ આપવામાં આવ્યો કે ડૉગબાઇટના કેસની માહિતી જાહેર નહી કરવા ઉપરથી સૂચના આપવામાં આવી છે. મેયર કે કમિશનરે આવી સૂચના આપી હોય તો ડૉગબાઇટના કેસ સંતાડવા કેમ પડે તે પણ જાહેર કરવું જોઇએ. પાલિકાના માર્કેટ વિભાગના આંકડા મુજબ છેલ્લા એક વર્ષમાં 13,989 રખડતા કૂતરાંઓને પકડવામાં આવ્યા જે પૈકી 12685 કૂતરાંઓનું રસીકરણ કરવામાં આવ્યું.










