ગાંધીનગર ખાતે સરગાસણની પ્રાજસ્વ એકેડમીના વિદ્યાર્થીઓ સાથે છેતરપિંડી થયાની ઘટના સામે આવી. પ્રાજસ્વ એકેડમીના 58 વિદ્યાર્થીઓ ફીમાં ડિસ્કાઉન્ટ લેવાની લાલચનો ભોગ બન્યા. એકેડમીમાંકામ કરતાં કર્મચારીએ વિદ્યાર્થીઓ પાસેથી ફીના નામે પૈસા ઉઘરાવ્યા. કર્મચારી દ્વારા સંસ્થાની જાણ બહાર આ કાંડ કર્યા બાદ લાખો રૂપિયા ઘરભેગા કરી આ શખ્સ ફરાર થઈ ગયો. એકેડમીના માલિકના ધ્યાનમાં સમગ્ર મામલો આવતા છેતરપિંડી મામલે આ શખ્સ સામે ફરિયાદ નોંધાવી.


વિદ્યાર્થીઓ સાથે થઈ ઠગાઈ

મળતી માહિતી મુજબ ગાંધીનગરમાં સરગાસણ ખાતે આવેલ પ્રાજસ્વ એકેડમીમાં વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે. આ એકેડેમીમાં વિદ્યાર્થીઓને UPSC, GPSC અને કલાસ-3ના સરકારી પરીક્ષાની તૈયારી કરાવામાં આવે છે. ઉચ્ચ સ્તરની પરીક્ષાને લઈને એકેડમીમાં વિવિધ કાર્યોને લઈને કર્મચારીની નિમણૂંક કરાઈ હતી. દરમિયાન એકેડમીના કેટલાક વિદ્યાર્થીઓ દ્વારા ફીની ચૂકવણી કરાઈ હોવા છતાં માંગણી કરવામાં આવી રહી હોવાની ફરિયાદ ઉઠી હતી. આ બાબતની તપાસ કરતાં ફી મુદ્દે એકેડમીના એક કર્મચારી દ્વારા લાખોની છેતરપિંડી કરાઈ હોવાનું સામે આવ્યું. પ્રાજસ્વ એકેડમીના સંચાલક મલ્હાર રાજેશ ભટ્ટે આ મામલે સંદેશ ન્યૂઝ સાથેની વાતચીતમાં જણાવ્યું કે એકેડમી અને તેના વિદ્યાર્થીઓ છેતરપિંડીનો ભોગ બન્યા છે.

વિદ્યાર્થીઓ પાસેથી ફી લીધી પણ સંસ્થામાં જમા ના કરાવી

એકેડમીના સંચાલક મલ્હાર ભટ્ટે વધુમાં માહિતી આપતા જણાવ્યું કે ઘણા સમયથી તેમની સંસ્થામાં ભૌમિક સુથાર નામનો શખ્સ કાઉન્સેલર તરીકે કામ કરી રહ્યો હતો. કાઉન્સેલર તરીકે આ શખ્સ દ્વારા વિદ્યાર્થીઓને એડમિશન પ્રોસેસ માટે અને ફીને લઈને માહિતી પૂરી પાડવામાં આવતી હતી. તેમજ કોઈ વિદ્યાર્થી દ્વારા ફી ભરવામાં ચૂક થતા તેને જાણ કરાતી હતી. પરંતુ છેલ્લા બે ત્રણ મહિનામાં આ શખ્સ દ્વારા વિદ્યાર્થીઓ પાસેથી ફીમાં ડિસ્કાઉન્ટ આપવાની લાલચ આપી પૈસા ઉઘરાવવામાં આવ્યા હતા. વિદ્યાર્થીઓ પાસેથી ફી લીધી પણ સંસ્થામાં જમા ના કરાવી.

ચાલાક શખ્સ પૈસા લઈ ફરાર

ભૌમિક એટલો બધો શાતિર હતો કે તેણે બહુ ચાલાકીપૂર્વક મોડસ ઓપરેન્ડી થકી રોકડ અને યુપીઆઈ દ્વારા પોતાના ખાતામાં વિદ્યાર્થીઓની ફી જમા કરાવી. ભૌમિકે અંદાજે 58 જેટલો લોકો પાસેથી ફીમાં ડિસકાઉન્ટ આપવાનું કહી 20 લાખ જેટલી માતબર રકમ પોતાના ખાતમાં જમા કર્યા બાદ રફુચક્કર થઈ ગયો. ભૌમિકના ગાયબ થયા બાદ ફી કૌભાંડનો સમગ્ર મામલો સામે આવ્યો. ફી કૌભાંડમાં કૂલ 58 વિદ્યાર્થીઓ ભૌમિકની ઠગાઈનો ભોગ બન્યા હોવાનું સામે આવતા સેક્ટર-7માં પોલીસમાં ફરિયાદ નોંધી. અમને આશા છે કે પોલીસ સત્વરે આરોપીને શોધી વિદ્યાર્થીઓને તેમની રકમ પાછી અપાવવામાં સફળ રહેશે. અમારી નૈતિક ફરજ છે કે ઠગાઈનો ભોગ બનનાર વિદ્યાર્થીઓનો અભ્યાસ ના બગડે. અને એટલે જ વિદ્યાર્થીઓને હાલમાં કોઈપણ રોકટોક વગર સંસ્થામાં પ્રવેશ આપવામાં આવ્યો છે.

  • Follow us on: