• નવા કાયદાના છ વર્ષ પછી પણ ગુજરાતમાં સ્થિતિ જૈસે થૈ જેવી

  • સરકારી કચેરીઓમાં રેમ્પ, ટોઇલેટને અભાવે સેંકડો દિવ્યાંગોની કફોડી સ્થિતિમાં
  • કચેરીઓમાં દિવ્યાંગોના સરળ પ્રવેશ સહિતની પુરતી સુવિધાઓનો અભાવ છે

ધ રાઈટ્સ ઓફ પરસન્સ વીથ ડિસેબિલિટીઝ એક્ટ- 2016ના અમલના છ વર્ષ પછી પણ ગુજરાતમાં સરકારી વિભાગોની વડી કચેરીઓમાં દિવ્યાંગોના સરળ પ્રવેશ સહિતની પુરતી સુવિધાઓનો અભાવ છે. દિવ્યાંગ વ્યક્તિઓ માટેના કમિશનરેટના વર્ષ 2021- 22ના વહીવટી અહેવાલમાં રાજ્યના 22 મુખ્ય સરકારી વિભાગોની 3,092 વડી કચેરીઓના ઓડિટમાં 1921 કચેરીઓમાં દિવ્યાંગો માટેના પાર્કિંગ અને 1,414 કચેરીઓમાં ડિસેબલ ટોયલેટ જેવી વ્યવસ્થાઓ ન હોવાનું બહાર આવ્યુ છે. જે કુલ કચેરીઓના અનુક્રમે 62 ટકા અને 52 ટકા થવા જાય છે.

ગુજરાતમાં મૂકબધિર, અંધજન, માનસિક ક્ષતિગ્રસ્ત, શારીરિક ક્ષતિગ્રસ્ત અને સેરેબલ પાલ્સી જેવી બિમારીથી 5ીડાતા દિવ્યાંગ નાગરીકોની સંખ્યા અંગે દિવ્યાંગ વ્યક્તિઓ માટેના કમિશનરેટ દ્વારા વાર્ષિક અહેવાલમાં કોઈ ચોક્કસ સંખ્યા જાહેર કરવામાં આવી નથી. પરંતુ, એસ.ટી. બસમાં મુસાફરી માટે 3,18,805 દિવ્યાંગો નોંધાયા છે. જ્યારે વર્ષ 2021- 22માં 51,619 જેટલા દિવ્યાંગોને દિવ્યાંગતાના પ્રમાણપત્રો અપાયા છે. અહેવાલમાં 3,092 વડી કચેરીઓના થયેલા ઓ.ડિટમાં 800 જેટલી કચેરીઓમાં છ વર્ષ પછી પણ રેમ્પ જેવી બેઝિક ફેસેલિટી ઉપલબ્ધ નથી તેવી માર્ગ અને મકાન વિભાગે નોંધ્યુ છે. જે 2,292 કચેરીઓમાં રેમ્પ છે તેમાંથી પણ 744 કચેરીઓમાં ભારત સરકારની ગાઈડલાઈન મુજબ રેમ્પ નથી. જેથી દિવ્યાંગોને કચેરીમાં પ્રવેશને લઈને કફોડી હાલતમાં મુકાવુ પડી રહ્યું છે. માત્ર રેમ્પ જ નહિ, 1,301 કચેરીઓમાં દિશાસૂચક સાઈનેજની પણ ફેસેલિટી નથી. આથી, કમિશનરેટે આવી કચેરીઓમાં તાત્કાલિક અસરથી સુવિધાઓ ઉભી કરવા આદેશો કર્યા છે.


  • Follow us on: