- પેટ્રોલ-ડીઝલ, ઘાસચારાના ભાવવધારાને પગલે વધારાની માગ થયેલી
- એક સાથે 750 ઢોર લઈ જતી સંસ્થાને જ આ વધારાનો લાભ મળશે
- AMC દ્વારા અમલમાં મૂકાયેલ નવી નીતિ એક વર્ષ સુધી અમલી રહેશે
AMC દ્વારા શહેરમાંથી પકડેલા ઢોર પાંજરાપોળમાં મોકલી આપવા માટે લાઈફ ટાઈમ ચૂકવવામાં આવતો નિભાવ ખર્ચ રૂ. 4,000થી વધારીને રૂ. 7,000 કરવામાં આવ્યો છે. અમદાવાદની બહાર ઢોરને પાંજરાપોળ અથવા ગૌશાળામાં મોકલી માટેનો નિભાવ ખર્ચ અત્યાર સુધી ચાર રૂ. 4,000 આપવામાં આવતો હતો. હવે જો કોઈ સંસ્થા દર મહિનાની 1થી 30-31 તારીખ સુધીમાં એટલે કે એક મહિનામાં 750થી વધુ ઢોર લઈ જશે તો તેને પશુ દીઠ રૂ. 7,000 આપવામાં આવશે. જો 750 થી ઓછા લઈ જશે તો તે સંસ્થાને ફક્ત રૂ. 4,000 ચૂકવવામાં આવશે. પશુપાલકો દ્વારા રખડતા ઢોર છોડાવવામાં ન આવતા હવે નિભાવ ખર્ચમાં વધારો થતાં AMC પર કરોડો રૂપિયાનો બોજો પડશે. AMC દ્વારા અમલમાં મૂકાયેલ નવી નીતિ એક વર્ષ સુધી અમલી રહેશે. ગાંધીનગર મહાનગરપાલિકા તરફ્થી પ્રતિ પશુ રૂ. 7,000ની રકમ ખોરાકી પેટે આપવામાં આવે છે. જેથી નિભાવ ખર્ચની રકમમાં વધારો કરવામાં આવે તેવી માંગ ઉઠતા ખર્ચમાં વધારો કરવામાં આવ્યો છે. સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેને જણાવ્યું હતું કે, રખડતા ઢોર નિયંત્રણ પોલિસી અંતર્ગત શહેરમાંથી રખડતાં ઢોર પકડીને AMCના ડબ્બામાં રાખવામાં આવે છે, પરંતુ મર્યાદિત સંખ્યામાં ઢોર રાખી શકાતા હોવાથી ઢોરને અમુક સમય પછી શહેરની બહાર પાંજરાપોળ મોકલી આપવામાં આવે છે. પાંજરાપોળ- સંસ્થાઓ દ્વારા રજુઆત આવી હતી કે, પાંજરાપોળોમાં દાનનો પ્રવાહ ખૂબ જ ઘટી ગયો છે.










