- માણસા નજીક રૂ.221 કરોડની યોજના મંજૂર
- એક બેરેજ બન્યો, બીજો હજી પ્રગતિમાં
- હિરપુરા ખાતે રૂ.120 કરોડના ખર્ચે બેરેજ બાંધવાનું કામ પ્રગતિમાં
સાબરમતી નદી પુનર્જિવિત કરી પાણીના સ્તર ઊંચે લાવવા માટે ધરોઈ ડેમથી માંડીને અમદાવાદ સુધી નદીમાં વિવિધ 7 બેરેજ- નાના ડેમ બનાવવાનું નક્કી થયું છે, જે પૈકી માણસા તાલુકાના અંબોડ ગામે રૂ.220.68 કરોડના ખર્ચે બેરેજ બનાવવાની યોજનાને મંગળવારે વટીવટી મંજૂરી અપાઈ છે.
આ યોજનાના ભાગરૂપે વલાસણા ખાતે સાબરમતી નદી ઉપર રૂ.97 કરોડના ખર્ચે બેરેજ તૈયાર થઈ ચૂક્યો છે. જ્યારે હિરપુરા ખાતે રૂ.120 કરોડના ખર્ચે બેરેજ બાંધવાનું કામ પ્રગતિમાં છે, જે જૂન-24 સુધીમાં પૂર્ણ કરવાનું આયોજન છે. આવી જ રીતે બીજાં 4 બેરેજ બાંધવાની યોજના હજી પ્લાનિંગ તબક્કે હોવાનું જણાવાઈ રહ્યું છે. જળસંપત્તિ મંત્રી કુંવરજી બાવળિયાના જણાવ્યા પ્રમાણે અંબોડ ખાતે બેરેજ બનવાથી 6-7 કિલોમીટર લંબાઈમાં સરોવરનું સર્જન થશે, જેમાં આશરે 210 મિલિયન ક્યૂબિક ફૂટ પાણી સંગ્રહ થવાથી ગાંધીનગર, પ્રાંતિજ અને માણસા તાલુકાના આઠ ગામોને લાભ મળશે. આ યોજના દોઢ વર્ષમાં પૂર્ણ કરવાનો ટાર્ગેટ છે.










