દલાલમાંથી વેપારી બનેલા નૈત્રીડાયમંડના મહેશ લાખાણીનું ૩.૧૪ કરોડમાં ઉઠમણું થયું છે, સાત વેપારીઓ પાસેથી ઉધાર પેટે હીરા ખરીદીને રૂ.૨.૧૪ કરોડની રકમ ચૂકવી ન હતી જેના કારણે પોલીસ ફરિયાદ નોંધાઈ છે, મહિધરપુરા જદાખાડીમાં વર્ષોથી દલાલી કર્યા બાદ પુત્ર અને ભાગીદાર સાથે મળી નેત્રી ડાયમંડના નામે પેઢી શરૂ કરનાર મહેશ લાખાણીની કરોડોના ઉઠમણાની બૂમ વચ્ચે મંગળવારે ક્રાઈમ બાન્ચની આર્થિક ગુના નિવારણ શાખાએ ધરપકડ કરી હતી.
સાત વેપારીઓએ હીરા છેતરપિંડીને લઈ ફરિયાદ નોંધી
સાત વેપારીઓએ ૩.૧૪ કરોડની છેતરપિંડીની ફરિયાદ નોંધાઈ હતી. પોલીસે તેના પુત્ર અને ભાગીદારને પણ દબોચી લીધા હતા. પોલીસ સૂત્રોએ આપેલી માહિતી પ્રમાણે સિંગણપોર શુકન રિવેરામાં રહેતા મહેશ અંબારામભાઈ કાનાણી (મુળ રહે. બલદાણા, જિ.સુરેન્દ્રનગર) વેડરોડ પંડોળ ઈન્ડસ્ટ્રીઝમાં વણીરાજ જેમ્સના નામે હીરા પેઢી ધરાવે છે. મહિધરપુરા જદાખાડીમાં હીરાદલાલી કરતા મહેશ ધનજી લાખાણી (રહે. કર્ણાવતી રો-હાઉસ, હરિદર્શનનો ખાડો, ડભોલી, મુળ રહે. શિયાનગર, જિ. બોટાદ)ને વર્ષોથી ઓળખે છે.
૧૬મી ફેબ્રુઆરી-૨૫ના સમયગાળામાં જ ૧.૯૦ કરોડનો હીરાનો માલ બે દલાલને આપ્યો હતો
આ હીરા દલાલ તેમની પાસેથી ૨૦૨૧થી હીરા લઇ જતા હતા. મહેશ લાખાણીના પુત્ર જૈમીને ભાગીદાર તરુણ તળશીભાઈ જાસોલીયા (રહે. અક્ષરધામ સોસા,કતારગામ,મુળ રહે, પરવાળા,તા.ઉમરાળા,જિ.ભાવનગર) સાથે મળી જદાખાડી, પારસ બિલ્ડિંગમાં નૈત્રી ડાયમંડના નામે હીરાનો વેપાર શરૂ કર્યો હોવાનું જણાવ્યું હતું. વર્ષોનો વિશ્વાસ હોવાથી મહેશભાઈએ કાનાણીએ આ ત્રણેય સાથે હીરાની મોટા પાયે લે-વેચ કરી હતી. ૨૩ જાન્યુઆરીથી ૧૬મી ફેબ્રુઆરી-૨૫ના સમયગાળામાં જ ૧.૯૦ કરોડનો હીરાનો માલ બે દલાલ હિતેશ બગડિયા અને સાગર ગાબાણી મારફત આપ્યો હતો. જેમાંથી થોડુંક જ પેમેન્ટ ચૂકવાયું હતું.
બાકીના ૧.૦૪ કરોડ ચૂકવ્યા વિના જ ઉઠમણું કરાયું હતું
ઉઘરાણી માટે કોલ કરવામાં આવતા કે મળવામાં આવતાં તરુણ સાથે ભાગીદારી છૂટી કરવામાં આવી હોવાનું જણાવી પેમેન્ટ માટે ખો અપાતો હતો. મહેશ લાખાણીનો ભોગ બનેલા બીજા સાત વેપારીઓએ પણ ૨.૧૪ કરોડના હીરા ગુમાવ્યા હોવાની ફરિયાદ સાથે પોલીસ કમિશનરને મળ્યા હતા. પોલીસ કમિશનરે આર્થિક ગુના નિવારણ શાખાને તપાસ સોંપી હતી. પોલીસે ૩.૧૪ કરોડની છેતરપિંડીનો ગુનો નોંધી ત્રણેયને દબોચી લીધા હતા. ઈન્સ્પેક્ટર વી.વી. વાગડિયા વધુ તપાસ ચલાવી રહ્યા છે.









