- 2023માં 28મી ડિસેમ્બર સુધીના આંકડાઃ 108 એમ્બ્યુલન્સની દોડાદોડ : વર્ષે 13.57 લાખ ઈમરજન્સી કેસ
- હવાઈ પ્રદૂષણ વધતાં શ્વાસની બીમારીમાં 92 હજારને હોસ્પિટલે ખસેડાયા
- હૃદયરોગના વર્ષ 2021માં 42,555 કેસ, આ વખતે 71,961ને પાર
ગુજરાતમાં કેલેન્ડર વર્ષ 2023માં 28મી ડિસેમ્બર સુધીમાં માર્ગ અકસ્માતના 1.55 લાખ, શ્વાસ લેવા સંબંધિત બીમારીના 92,286 તેમજ હૃદય રોગ સંબંધિત 71,691 સહિત વિવિધ ઈમરજન્સીના 13.57 લાખ કોલ્સ 108 એમ્બ્યુલન્સને મળ્યા છે, આ તમામ કિસ્સામાં દર્દીઓને તાબડતોબ હોસ્પિટલે ખસેડાયા હતા. ગત વર્ષ 2022માં 12.87 લાખ જ્યારે વર્ષ 2021માં 10.83 લાખ કોલ્સ 108 એમ્બ્યુલન્સને મળ્યા હતા.
ગુજરાતમાં હૃદય રોગ સંબંધિત ઈમરજન્સીના કોલ્સમાં સતત વધારો જોવા મળ્યો છે, વર્ષ 2021ના અરસામાં 42,555 કોલ્સ એમ્બ્યુલન્સને મળ્યા હતા, છાતીમાં દુખાવાની તકલીફ સહિતના આ કેસમાં દર્દીઓને હોસ્પિટલે ખસેડાયા હતા, આ સિવાય મોટા ભાગના કેસ એવા પણ છે જે વ્યક્તિગત રીતે હોસ્પિટલે દોડયા છે, વર્ષ 2022માં આ કાર્ડિયાક સંબંધિત કેસ વધીને 56,277 થયા હતા જ્યારે વર્ષ 2023માં (28મી ડિસેમ્બર સુધી)માં આ કેસ 71,961 પહોંચ્યા છે. એકંદરે હૃદય રોગ સંબંધિત બીમારીના કેસમાં સતત વધારો જોવાયો છે.










