- આણંદ, નડિયાદ, ગાંધીનગરના પ્રવાસીઓને કાગવડ જતા રસ્તામાં અસર થઈ, શહેરની ત્રણ હોસ્પિટલમાં ખસેડાયા
- સવારના સામાના ઢોકળાનો નાસ્તો કર્યા બાદ અસર
- ઝાડા, ઊલટી સાથે નબળાઇની ફરિયાદ, તમામ ભયમુક્ત હોવાનો દાવો
ગોંડલની પ્રતિષ્ઠિત બીએપીએસ સંચાલિત સ્વામિનારાયણ ગુરુકુલમાં સવારે નાસ્તો ખાધા બાદ અંદાજે 75 પ્રવાસી અને 200 વિદ્યાર્થીઓ સહિત 275ને ફૂડ પોઇઝનની અસર થતા ગુરુકુલના સંચાલકોમાં દોડધામ મચી હતી. અસરગ્રસ્ત વિદ્યાર્થી-પ્રવાસીઓને તાબડતોડ શહેરની બે ખાનગી અને એક સરકારી સહિત ત્રણ હોસ્પિટલમાં તબીબી સારવાર શરૂ કરાઇ હતી. જ્યાં પરિસ્થિતિ કાબૂ હેઠળ હોવાનું સંચાલકોએ જણાવ્યું હતું.
કોટડા સાંગાણી રોડ પર આવેલા બીએપીએસ સંચાલિત ગુરુકુલમાં સવારે વિદ્યાર્થીઓએ સામાના ઢોકળાનો નાસ્તો કર્યા બાદ 75 પ્રવાસી અને 200 જેટલા વિદ્યાર્થીઓને ઝાડા ઉલ્ટી અને નબળાઇની અસર થતા ગુરુકુલના મુખ્ય સંચાલક નિર્ભયસ્વામી સહિતના સંતોએ તાબડતોડ ખાનગી તબીબોને જાણ કરતા મેડિકલ ટીમ સાથે દોડી આવેલા તબીબોએ ગુરુકુલમાં જ બાટલા ચડાવી અસરગ્રસ્ત વિદ્યાર્થીઓની સારવાર શરૂ કરી હતી. બાદમાં કેટલાક વિદ્યાર્થી અને પ્રવાસીઓને બે ખાનગી હોસ્પિટલ અને એક સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
બીએપીએસ સ્વામિનારાયણ મંદિરમાં રાત્રિ ભોજન અને સવારે નાસ્તો કર્યા બાદ 75 પ્રવાસીઓને ફ્ુડ પોઈઝનિંગની અસર થઇ હતી. ફૂડ પોઇઝનિંગને પગલે 28થી વધુ પ્રવાસીઓની તબિયત લથડતા તમામને વિરપુરની સરકારી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા હતા. પ્રવાસીઓ આણંદ, નડિયાદ, ગાંધીનગરના છે અને તેઓ ગોંડલથી કાગવડ ખોડલધામ જઇ રહ્યા હતા તે સમયે રસ્તામાં તેમની તબિયત લથડી હતી. ગુરુકુલના પ્રવક્તાએ જણાવ્યું કે આજે એકાદશી હોય સવારના નાસ્તામાં ફ્રાળ અપાયું હતું. દરમિયાન પ્રાથમિક 25-30 વિદ્યાર્થીઓને ફૂડ પોઇઝનની અસરથી ઝાડા ઉલ્ટી તથા નબળાઇની ફરિયાદ મળી હતી. બાદમાં આ આંકડો વધીને 200 આસપાસ થતા શહેરની ખાનગી અને સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
સંચાલકોએ અસરગ્રસ્ત વિદ્યાર્થીઓની સંખ્યા માત્ર 25ની હોવાનો દાવો કર્યો
ગુરૂકુલમાં અઢીથી ત્રણ હજાર વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. સંચાલકો દ્વારા પચ્ચીસથી ત્રીસ વિદ્યાર્થીઓ અસરગ્રસ્ત થયાનો દાવો કરાયો છે. પરંતુ માહિતગાર સુત્રો અનુસાર 200 વિદ્યાર્થીઓને ઝેરી અસર થઈ છે. આ વાતની પુષ્ટી મામલતદાર ડી.બી. ભટ્ટે કરી છે. ગુરુકુલના મુખ્ય ગણાતા નિર્ભયસ્વામીને ઘટના અંગે ફેન કરતા ફેન રિસીવ કર્યા ના હતા.
રાજકોટથી 10 સ્પેશિયાલિસ્ટ તબીબ સહિત 30ની ટીમ દોડી ગઈ
ગોંડલમાં જુદા-જુદા બે સ્થળોએ માસ ફૂડ પોઈઝનિંગની ઘટના સામે આવતા ત્યાંની હોસ્પિટલ દર્દીઓથી ઉભરાઈ હતી. જેમાં મોટી સંખ્યામાં બાળ દર્દીઓ હોવાનું જાણવા મળ્યું છે. રાજકોટ સિવીલ હોસ્પિટલમાં આ બાબતે જાણ થતા તાત્કાલીક ફિઝિશિયન, પીડિયાટ્રિક, પેથોલોજી, માઈક્રોબાયોલોજી સહિત 10 સ્પેશિયાલીસ્ટ તબીબો સાથે નર્સિંગ સ્ટાફ મળી કુલ 30 સભ્યોની ટીમ દોડી ગઈ હતી.