- ઝાલાવાડમાં વેરિફિકેશન સહિતની કામગીરી બાદ ઓર્ડર કરાયા
- બાકી રહેતા શિક્ષકો માટે આગામી દિવસોમાં બીજો રાઉન્ડ બહાર પડશે
- શિક્ષણ વિભાગે નવી કમીટી રચી નવા નિયમો જાહેર કર્યા
રાજયની પ્રાથમિક શાળાઓમાં શિક્ષકોની આંતરીક બદલીનો મામલો છેક હાઈકોર્ટ સુધી પહોંચ્યો હતો. ત્યારે શિક્ષણ વિભાગે નવી કમીટી રચી નવા નિયમો જાહેર કર્યા હતા. જેમાં તા. 2 થી 7 જુન સુધી જિલ્લા આંતરીક બદલી માટે શિક્ષકોને ઓનલાઈન અરજી કરવાની હતી. જેમાં સુરેન્દ્રનગર જિલ્લામાં કુલ 955 શિક્ષકોએ અરજીઓ કરી હતી. આ અરજીના વેરીફીકેશન બાદ હાલ 428 શિક્ષકોના બદલીના હુકમો થયા છે. જયારે બાકી રહેતા શિક્ષકો માટે બીજો રાઉન્ડ હાથ ધરવાની પ્રક્રીયા ચાલી રહી છે.
સુરેન્દ્રનગર જિલ્લા સહીત સમગ્ર રાજયમાં અગાઉ શિક્ષકોની જિલ્લા આંતરીક બદલીની કાર્યવાહી ખોરંભે પડી હતી. આ મુદ્દે હાઈકોર્ટમાં મામલો પહોંચ્યો હતો. અને ત્યારબાદ શિક્ષણ વિભાગે નવી કમીટીની રચના કરીને નવા નીયમો જાહેર કર્યા હતા અને જિલ્લા આંતરીક બદલીની જુની પ્રક્રીયા રદ્દ કરવાનો નીર્ણય કર્યો હતો. ત્યારબાદ નવા નીયમ મુજબ નવો કાર્યક્રમ જાહેર કરાયો હતો. જેમાં તા. રથી 7 જુન દરમીયાન બદલી ઈચ્છતા શિક્ષકોએ ઓનલાઈન અરજી કરવાની હતી. વધુમાં મળતી માહીતી મુજબ તા. 7 જુન સુધીમાં જિલ્લા કક્ષાએ 955 શિક્ષકોએ બદલી માટે ઓનલાઈન અરજી કરી હતી. આ અરજીઓ તા. 12 થી 15 જુન સુધીમાં તાલુકા કક્ષાએ મોકલી દેવાઈ હતી. જયારે 17 થી 26 જુન દરમીયાન વાંધા અરજી વગેરે સાંભળીને તા. 27 થી 29 જુન દરમીયાન રાજય કક્ષાએ વેરીફીકેશન માટે મોકલાઈ હતી. ત્યારે વેરીફીકેશનની કામગીરી પુરી થયા બાદ 955માંથી 428 શિક્ષકોના માંગણી મુજબ જિલ્લા આંતરીક બદલીના ઓર્ડરો શિક્ષણ વિભાગમાંથી થયા છે. આ શિક્ષકો હાલ જે સ્થળે ફરજ બજાવે છે ત્યાંથી ફરજ મુકત અને બદલીના સ્થળે હાજર થવાની કાર્યવાહી ચાલી રહી છે. આ બદલીની કાર્યવાહી બાદ જે શિક્ષકો રહી ગયા હોય તેઓ માટે બીજો રાઉન્ડ આગામી દિવસમાં બહાર પાડવાની કામગીરી હાથ ધરાનાર છે.










