- રણછોડરાય મંદિરની તોપનો ગોલો 46 ફૂટ સુધી ઉડયો
- વર્ષો પહેલાં મંદિરના વરઘોડામાં તોપથી સલામી અપાતી
- 29 વર્ષથી તંત્ર દ્વારા તોપ ફોડવા પર પ્રતિબંધ મુકાયો હતો
વડોદરામાં છેલ્લા 178 વર્ષોથી રણછોડરાય મંદિરના વરઘોડામાં તોપથી સલામી આપવામાં આવતી હતી. જેના પર છેલ્લા 29 વર્ષથી પોલીસ તંત્ર દ્વારા તોપ ફોડવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો હતો. આ વિસ્તારમાં જર્જરિત ઇમારતો અને સુરક્ષાની દ્રષ્ટિએ તોપ પર પ્રતિબંધ ફરમાવાયો હતો. વડોદરા રાજા મહારાજાઓ વખતનું ઐતિહાસિક વિરાસત ધરાવતું શહેર છે. જ્યાં મહારાજા ગાયકવાડ રાજ કરતાં હતા અને આજે પણ મહારાજા સયાજીરાવ ગાયકવાડ હવેલી વડોદરામાં આવેલી છે.
નવલખી મેદાનમાં ઐતિહાસિક તોપનું પરીક્ષણ
વડોદરાના રણછોડરાયજી મંદિરના પૂજારી જનાર્દન દવે 29 વર્ષથી પ્રતિબંધ ફરમાવાયેલ તોપની સલામી માટે કોર્ટમાં અરજી કરી હતી. છેલ્લા 29 વર્ષમાં બીજી વખત તોપનું પરીક્ષણ કરાયું હતું. વડોદરાના નવલખી મેદાન ખાતે આ ઐતિહાસિક તોપનું સફળતા પૂર્વક પરીક્ષણ કરવામાં આવ્યું હતું. વડોદરા કોર્ટના કમિશનર નેહલ દવે અને પોલીસ અધિકારીઓ અને FSLની હાજરીમાં આ તોપોનું પરીક્ષણ કરવામાં આવ્યું હતું. ઐતિહાસિક તોપના સફળ પરીક્ષણ બાદ હવે રિપોર્ટ કોર્ટમાં રજૂ કરવામાં આવશે ત્યાર બાદ મંદિરની ઐતિહાસિક 178 વર્ષ જુની તોપનો ક્યાં અને ક્યારે ઉપયોગ કરવો કે કેમ તે અંગે યોગ્ય નિર્ણય કરવામાં આવશે.
તોપ માટે મંદિરના પૂજારીએ ૨૯ વર્ષથી પગરખા નથી પહેર્યા
જનાર્દન મહારાજનું કહેવું છે કે, આ તોપ પિત્તળની છે અને આશરે ૧૮૦ વર્ષ જુની છે. પિત્તળ ધાતુ હજાર વર્ષ સુધી ખરાબ થતી નથી એટલે તોપ સંપૂર્ણ સુરક્ષિત છે. અગાઉ વર્ષ ૨૦૦૦ અને વર્ષ ૨૦૧૦માં પણ કોર્ટના હૂકમથી તોપનું પરીક્ષણ કરવામાં આવ્યુ હતું. ત્યારે પણ તોપ સુરક્ષિત હોવાના રિપોર્ટ આવ્યા છે. આ તોપ કોઇને નુકસાન કરે તેવી નથી. તેમાં એક ધડાકા માટે માંડ ૧૫૦ ગ્રામ દારૃગોળો ચિથરાની મદદથી દબાવીને ભરવામાં આવે છે અને પછી વાટમા દિવાસળી ચાપવાથી ધડાકો થાય છે. આ વિસ્ફોટ ૪૦ થી ૪૦ ફૂટ દૂર સુધી જાય છે. સૂતળી બોમ્બ કરતા થોડો વધારે આવાજ થાય છે. રણછોડરાયજી તો આખા બ્રહ્માંડના રાજા છે તેના વરઘોડામાં તોપની સલામી આપવી પડે. તોપની પરંપરા ચાલુ કરવા માટે છેલ્લા ૨૯ વર્ષથી હું કોર્ટમાં લડત લડી રહ્યો છે. મે ૨૯ વર્ષથી પગમાં પગરખા નથી પહેર્યા. બાધા લીધી છે કે તોપની પરંપરા ચાલુ થશે પછી જ પગરખા પહેરીશ.