- બળદ છૂટીને નદી તરફ ભાગતા પશુપાલકે પણ તેની પાછળ દોટ લગાવી હતી, પગ લપસતા નદીમાં ગરકાવ
- ગામમાં શોકનો માહોલ છવાઇ ગયો હતો
- હાલમાં મેશ્વો નદીમાં પાણી બે કાંઠે હોવાથી પાણીનો આવરો ભરપુર છે
દહેગામ તાલુકાના અમરાભાઇના મુવાડાના તાબે આવેલા લક્ષ્મીપુરા ગામના રહેવાસી એક પશુપાલકનુ નદીમાં ડુબી જવાથી કરુણ મોત નિપજ્યુ હતુ. હાલમાં મેશ્વો નદીમાં પાણી બે કાંઠે હોવાથી પાણીનો આવરો ભરપુર છે. આજે એક બળદને પકડવા જતા યુવાનને જીવ ખોવાનો વારો આવ્યો હતો.નદીમાં ડુબી ગયેલા યુવાનની લાશ પાણીમાંથી નીકળતા પરીવાર જનો ઉપર આભ તુડી પડયુ હતુ. ગામમાં શોકનો માહોલ છવાઇ ગયો હતો.
પ્રાપ્ત વિગતો મુજબ અમરાભાઇના મુવાડા ગ્રામપંચાયતના તાબે આવેલા લક્ષ્મીપુરામાં રહેતા કનુજી મગાજી રાઠોડ (ઉ.વ. 43) ખેતી અને પશુપાલન કરીને પરીવારનું ગુજરાન ચલાવતા હતા. આજે બપોરે જ્યારે ખેતરમાં કામ કરતા હતા ત્યારે તેમના બે બળદની જોડ પૈકી એક બળદ છુટીને નજીકમાં આવેલી મેશ્વો નદી તરફ ભાગ્યો હતો. કનુજી આ બળદને પકડવા પાછળ દોડયા હતા.જોતજોતામાં તેમનો બળદ નદીએ પહોચી ગયો હતો. ખેડૂત બળદની રાશ પકડે એ પહેલા જ પગ લપસી પડયો હતો અને સીધા જ નદીના ખાડાના પાણીમાં ખાબક્યા હતા. પાણી ઉંડુ હોવાથી ખેડૂત અંદર ગરકાવ થવા લાગ્યા હતા. ઘટનાની જાણ થતા આસપાસમાંથી લોકો બચાવા માટે દોડી આવ્યા હતા. પરંતુ ખેડૂતને બચાવીને બહાર કાઢવામાં આવે એ પહેલા જ કરૂણ મોત નિપજતા અરેરાટી વ્યાપી ગઇ હતી. નદીના ઉંડા ખાડાએ મોતનું કારણ બન્યો હતો. મૃતકનુ પીએમ દહેહગામ સામુહિક આરોગ્ય કેન્દ્રમાં કરવામાં આવ્યુ હતુ. દહેગામ વિલેજ બીટ જમાદાર નિકુલ ચોધરીએ સ્થળ ઉપર પહોંચી ગયા હતા અને મૃતકની લાશને પરીવારજનોને સોંપવામાં આવી હતી.










