• છ માસમાં નકલી ખાદ્ય ચીજ વસ્તુઓ બનાવતી પાંચ ફેકટરીઓ પકડાઇ

  • બિલોદરામાં લઠ્ઠાકાંડ થતાં જિલ્લા સહિત રાજયમાં ખળભળાટ
  • ઓકટોબરમાં માતર જીઆઇડીસીમાં નકલી ઇનો બનાવતી ફેકટરી ઝડપાઇ હતી

ખેડા જિલ્લામાં એક પછી એક નકલી ખાદ્ય ચીજ વસ્તુ બનાવતી ફેકટરીઓ પકડાઇ રહી છે. ફૂડ એન્ડ ડ્ગ્સ વિભાગના અધિકારીઓની બેદરકારી અને હપ્તાના કારણે ખેડા જિલ્લો નકલી ખાદ્ય ચીજ વસ્તુ બનાવવા માટેનું હબ બની ગયું છે. છેલ્લા છ માસમાં નકલી ખાદ્ય ચીજ વસ્તુઓ બનાવતી પાંચ ફેકટરીઓ પકડાઇ છે.જેમાં નકલી હળદર , મરચું, નકલી ઘી, ઇનો તેમજ નકલી આયુર્વેદિક સિરપની ફેકટરીનો સમાવેશ થાય છે. તાજેતરમાં નકલી સિરપને લઇને નડિયાદના બિલોદરામાં લઠ્ઠાકાંડ થતાં છ વ્યકિતનાં મૃત્યુ થતાં જિલ્લા સહિત રાજયમાં ખળભળાટ મચી ગયો હતો.

નડિયાદના કમળા રોડ પર ગત એપ્રિલમાં નકલી હળદર બનાવવાની ફેકટરી પકડાઇ હતી. આ ફેકટરીમાં કણકી , કેમીકલ જેવી વસ્તુઓનો ઉપયોગ કરીને હળદર બનાવવામાં આવી હતી. જેમાં ફેકટરીના માલિક બે ઇસમો સામે ફરિયાદ થઇ હતી. તેમજ ફેકટરીમાં નકલી હળદર સહિત અન્ય માલ સીઝ કરાયો હતી અને નડિયાદ મહેમદાવાદ રોડ ઉપર સિલોડ સીમમાં નકલી મરચું સહિત મસાલા બનાવતી ફેકટરી પકડાઇ હતી.જેમાં માલિક સામે ફરિયાદ થઇ હતી. ગત ઓકટોબરમાં માતર જીઆઇડીસીમાં નકલી ઇનો બનાવતી ફેકટરી ઝડપાઇ હતી. જેમાં ઇનો બનાવવાની સામગ્રી સહિત બનાવેલ નકલી ઇનોના પાઉચનો જથ્થો મળ્યો હતો. નકલી ઇનો બનાવનાર બે ઇસમો વિરુદ્ધ ફરિયાદ થઇ હતી. ગત નવેમ્બરમાં મહેમદવાદ રોડ વરસોલા પાસેથી નકલી ઘીની ફેકટરી પકડાઇ હતી. નકલી લઠ્ઠાવાળી સિરપના કારણે બિલોદરાના ત્રણ યુવક , મહેમદાવાદ તાલુકાના વડદલા અને સોજાલીના એક-એક યુવક અને મહુધા તાલુકાના બગડુ ગામના એક યુવકે જીવ ગુમાવ્યો હતો. આ ઘટનાની તપાસ માટે સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ (સીટ) ની રચના કરાઈ હતી. જેમાં યોગેશ સિંધી, કિશોર સોઢા, ઇશ્વર સોઢા, નિતિન કોટવાણી અને ભાવેશ સેવકાણી વિરૂદ્દ માનવ વધનો ગુનો નડિયાદ રૂરલ પોલીસ મથકે નોંધાયો હતો. જે પૈકી ત્રણને 11 ડિસેમ્બર રિમાન્ડ પર છે.


  • Follow us on: