- ફટાકડા ફોડવા બાબતે થઇ હતી મારામારી
- મારામારીમાં એક વ્યક્તિને થઇ હતી ગંભીર ઇજા
- સારવાર દરમિયાન રાજેશ ગઢવી નામના શખ્સનું મોત
રાજકોટના મોરબી રોડ પર આવેલી લાભ સોસાયટીમાં ફટાકડા ફોડવાના ઝઘડામાં એક વ્યક્તિની હત્યા થઈ છે. લાભ સોસાયટીમાં રહેતા લાખાભાઈ ગઢવીએ પત્ની બિમાર હોવાથી વલી નામના વ્યક્તિને ફટાકડા ફોડવાનો ઈન્કાર કર્યો હતો. જે વાતને લઈને લાખાભાઈ ગઢવી અને વલી નામના વ્યક્તિ વચ્ચે ઝઘડો થયો હતો. એ જ ઝઘડામાં રાજેશભાઈ ગઢવી વચ્ચે પડતા વલીએ છરીથી હુમલો કરી દીધો હતો.
આ અંગેની માહિતી અનુસાર, ફટાકડા ફોડવા બાબતે મારામારી થઇ હતી. જેમાં છરીથી હુમલો કરતા રાજેશભાઈ ગઢવીને ગંભીર ઈજાગ્રસ્ત હાલતમાં પહેલા મોરબીની સમર્પણ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તબીબે વધુ સારવાર માટે રાજકોટ સિવિલમાં ખસેડવાની સલાહ આપી હતી.
રાજેશ ગઢવીનું રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. હત્યાને અંજામ આપીને આરોપી વલી હાલ ફરાર છે. ત્યારે મોરબી પોલીસે હાલ તો આરોપીને પકડવા માટેની તજવીજ હાથ ધરી છે. હાલ તો સમગ્ર મામલે મૃતક રાજેશ ગઢવીની લાશને પોસ્ટ મોર્ટમ અર્થે રાજકોટ શહેરના પીએમ રૂમ ખાતે આવેલ ખસેડવામાં આવી છે.
બનાવ સંદર્ભે મોરબી રોડ પોલીસ દ્વારા મૃતકના પરિવારજનોના નિવેદનના આધારે IPC 302 ની કલમ હેઠળ પોલીસ ફરિયાદ નોંધવામાં આવશે. ગઢવી પરિવારમાં હાલ દિવાળીના તહેવાર સમયે જ શોકનું મોજુ ફરી વળ્યું હોવાનું સામે આવ્યું છે. ત્યારે બીજી તરફ મોરબી પોલીસ દ્વારા વલ્લી નામના વ્યક્તિની શોધખોળ હાથ ધરવામાં આવી હોવાનું પણ જાણવા મળી રહ્યું છે.









