- દૂધરેજથી લઈ જોરાવરનગર સુધીના વિસ્તારમાં 32 લોકોએ સારવાર લીધી
- દુધરેજ અને જોરાવરનગર વિસ્તારમાં અવારનવાર કુતરા કરડવાના બનાવો બને
- મંગળવારે સાંજના સમયે એક જ શ્વાન એક કરતા વધુ લોકોને કરડતા દોડધામ મચી
સુરેન્દ્રનગર, વઢવાણ, રતનપર, દુધરેજ અને જોરાવરનગર વિસ્તારમાં અવારનવાર કુતરા કરડવાના બનાવો બને છે. ત્યારે મંગળવારે સાંજના સમયે એક જ શ્વાન એક કરતા વધુ લોકોને કરડતા દોડધામ મચી હતી. સાંજના સમયે દુધરેજથી હડકાયુ થયેલ આ શ્વાન અંબા મિકેનીક રોડ, એન.ટી.એમ. હાઈસ્કુલ, પતરાવાળી, હેન્ડલુમ, મેગામોલ, આર્ટસ સામે ભોગાવો ક્રોસ કરીને જોરાવરનગર પહોંચ્યુ હતુ. શ્વાન 32 લોકોને કરડયુ હોવાનો સત્તાવાર આંક હોસ્પીટલમાંથી જાણવા મળી રહ્યો છે. શ્વાન 7 બાળકોને કરડયુ છે. જયારે 5 મહિલા અને 20 પુરૂષોને બચકા ભર્યા હતા. શ્વાનના આતંકને લઈને લોકોમાં દોડધામ મચી હતી અને શ્વાન કયા રસ્તેથી પસાર થઈ રહ્યુ છે તેના વિશે લોકો એકબીજાને પુછતા નજરે પડયા હતા. બનાવની જાણ થતા પાલિકાની ટીમે પણ શ્વાનની શોધ આદરી હતી. પરંતુ રાતના સમયે શ્વાન જોરાવરનગર પહોંચતા રોષે ભરાયેલા લોકોએ લાકડીના ઘા ઝીંકી શ્વાનને મોતને ઘાટ ઉતારી દીધુ હતુ.
આ અંગે એપેડેમીક મેડિકલ ઓફીસર ડો. જયેશ રાઠોડે જણાવ્યુ કે, હડકાયુ કે સાદુ કુતરૂ કરડે તો કોઈપણ ઘરગથ્થુ ઉપચાર કર્યા વગર સૌપ્રથમ તેના પર સાદુ પાણી અથવા સાબુવાળુ પાણી નાંખીને ઘાવ સાફ કરવો જોઈએ. ત્યારબાદ નજીકની હોસ્પીટલે જઈ ઈંજેકશનનો નીયમીત 4થી 5 ઈંજેકશનનો કોર્ષ કરવો જોઈએ.










