• સાયણગામ ખાતે ડીઆરજીડી હાઈસ્કૂલ પાસે દુર્ઘટના ઘટી

  • 10થી 15 પ્રવાસીઓ જીવ બચાવી નીચે ઉતરી ગયા
  • એન્જિનમાંથી ધૂમાડો નીકળતો દેખાતા ડ્રાઈવરે સમય સુચકતા વાપરી

સાયણગામ ખાતે ડીઆરજીડી હાઈસ્કૂલ પાસે બુધવારે બપોરે એક સીટી બસ ભડભડ સળગી ઉઠતા પ્રવાસીઓમાં ગભરાટ ફેલાયો હતો. સીટી બસના એન્જિનમાં આગ દેખાતાની સાથે 10થી 15 પ્રવાસી જીવ બચાવી નીચે ઉતરી મોટી દુર્ઘટના ટળી હતી. ફાયર બ્રિગેડની ટીમે ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળળ્યો હતો.

આ બનાવ અંગે મળતી માહિતી મુજબ બુધવારે સવારે અગ્યારેક વાગે સુરત રેલવે સ્ટેશનથી એક સીટી બસ સાયણ રેલવે સ્ટેશન તરફ જવા નીકળી હતી. બસનો ડ્રાઈવર સુનિલ નિનામા બસ લઈ બપોરે સાયણગામ સ્થિત ડીઆરજીડી હાઈસ્કૂલ પાસે પહોંચ્યો હતો. ત્યારે અચાનક બસમાં આગ ફાટી નીકળી હતી. ડ્રાઈવર સુનિલ નિનામાના કહેવા મુજબ બસ અચાનક બંધ પડતા નીચે ઉતરીને જોવા ગયો હતો. ત્યારે એન્જિનમાંથી ધૂમાડો નીકળતો દેખાતા બસમાં બેસેલા 10થી 15 પ્રવાસીઓને નીચે ઉતરી જવા માટે કહેવા સાથે ફાયર ઇસ્ટિંગ્યુશર લેવા દોડ્યો હતો. પરંતુ ત્યાં સુધીમાં એન્જિનમાં આગ ભડકી ઉઠી હતી અને ગણતરીની મિનિટોમાં આખી બસ આગની લપેટમાં સપડાઈ હતી.

[[$googlead]]

બપોરે 12:17 વાગે ફાયર બ્રિગેડને બનાવની જાણ થતા કોસાડ ફાયર સ્ટેશનની ટીમ ઘટનાસ્થળે દોડી આવી હતી અને પાણીનો મારો ચલાવી ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો. સદનસીબે આ ઘટનામાં કોઈને ઇજા કે જાનહાનિ થઈ નહીં હોવાનું ફાયર બ્રિગેડે કહ્યું હતું.

[[$alsoread]]


  • Follow us on: