• લાખોની કિંમતનો દુકાનમાં રહેલો સામાન બળીને ખાખ

  • ભરૂચ પાલિકાના બે ફાયર ફાઈટરો દ્વારા આગને કાબૂમાં લેવાઈ
  • નવા તવરા ગામે દુકાનમાં શોર્ટ સર્કિટથી આગ લાગી હતી

ભરૂચ તાલુકાના નવા તવરા ગામે શૈલેષ ઠાકોર મોદીના દુકાનમાં આજે વહેલી સવારે 3 વાગ્યાના અરસામાં દુકાનમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગતા સંપુર્ણ દુકાન બળીને ખાખ થઈ ગઈ હતી. દુકાનમાં રહેલી સામગ્રીઓ સહિત બે ફ્રીજ પણ બળીને ખાખ થઈ ગયા હતા.

વધુ વિગતે જોતા આજે વહેલી સવારના 3 વાગ્યાના અરસામાં શૈલેષભાઈ ઠાકોરભાઈ મોદીના ઘરમાં રહેલી દુકાનમાં આજે વહેલી સવાર આગ લાગી હતી જો કે તેઓ મકાનના બીજા માળે સુતા હતા જેને લઈ તેઓને પણ આગની જાણ થઈ ન હતી આગની 15 થી 20 મિનિટ બાદ સામે રહેલા વ્યકિતઓએ તેઓને બુમ પાડી જણાવ્યુ હતુ કે, તમારી દુકાનમા આગ લાગી છે જે જોઈ તેઓ તરત જ બહાર નીકળ્યા હતા અને ઘરમાં રહેલ ચારેય વ્યકિતઓ ઘરમાંથી બહાર નીકળવાના પ્રયાસો કર્યા હતા જો કે ભારે જહેમત બાદ તેઓ સહી સલામત બહાર નીકળ્યા હતા અને ત્યારબાદ તેઓએ ભરૂચ નગરપાલિકાના ફાયર ફાઈટરને જાણ કરતા ભરૂચ પાલિકાના બે ફાયર બંબા તાત્કાલિક પહોંચતા દુકાનમાં લાગેલી આગ પર કાબુ મેળવ્યો હતો. જો કે આ ઘટનામાં કોઈ પ્રકારની જાનહાની થવા પામી ન હતી પરંતુ દુકાનમાં રહેલો લાખોની કિંમતનો માલ સામાન બળીને ખાખ થઈ ગયો હતો. ત્યારે નવા તવરા ગામે દુકાન માં આગ લાગી હોવાના મેસેજ ફરતા ગામ લોકોના ટોરેટોરા ઘટના સ્થળ પર પહોચી ગયા હતા.

સામે રહેતી વ્યકિતઓની સમય સૂચકતા આગળ આવી

ભરૂચ તાલુકાના નવા તવરા ગામ ખાતે શૈલેષ મોદીની દુકાનમાં આજે મળસ્કાના સમયે આગ લાગતા લાખો રૂપિયાનું નુકશાન થયુ હતુ. જેમાં બે ફ્રીજનો પણ સમાવેશ થાય છે. આ બનાવની સૌથી નોંધપાત્ર બાબત એ છેકે મળસ્કાના સમયે શૈલેષ મોદી મકાનના બીજા માળ પર પોતાના કુટુંબ સાથે સૂતા હતા તેવા સમયે આગ લાગી હતી. આ આગની જવાળા ભડ ભડ થતા સુધી શૈલેષ મોદીની જાણ થઈ ન હતી પરંતુ તેમની સામે રહેતા લોકોએ આગની લપેટો જોતા તરત જ મહોલ્લામાં રહેતા લોકોને તેમજ શૈલેષ મોદીને આગના બનાવ અંગે જણાવતા અફરાતફરીનો વાતાવરણ ફેલાઈ ગયુ હતુ. જો કે લોકો એમ ચર્ચા કરતા હતા કે સામે રહેતા લોકોની સજાગતાના પગલે વધુ નુકશાન થતુ અટકી ગયુ હતુ.

પાલિકાના ફાયર ટેન્ડર સમયસર પહોંચ્યા

છેલ્લા 6 મહિનાના સમયમા ભરૂચ નગર અને આસપાસના વિસ્તારોમાં આગ તેમજ સ્લેબ તૂટવાના બનાવો અને અન્ય બનાવોના સમયે ભરૂચ પાલિકાના ફાયર બ્રિગેડના જવાનોને બનાવની જાણ થતા જ તેઓ સમયસર પહોંચી જાય છે. ઔદ્યોગિક ક્ષેત્રે વિકાસ પામેલ ભરૂચ પંથકમાં કયારે શું થાય તે કહેવાય નહી તેવી પરિસ્થિતિમાં ફાયર બ્રિગેડ, એમ્બ્યુલન્સ અને અન્ય આવશ્યક સેવાઓ અત્યંત સજાગ રહે તે જરૂરી છે અને તેમની સજાગતાના જ પગલે આવા બનાવોમાં નુકશાન પ્રમાણમાં ઓછુ થાય છે.


  • Follow us on: