- ઘોઘા તાલુકાના હાથબ ગામે 21 વર્ષીય યુવતીનો આપઘાતનો પ્રયાસ
- યુવતી છેલ્લા બે વર્ષથી સરકારી પરીક્ષાની તૈયારીઓ કરી રહી હતી
- પેપર રદ્દ થતા માનસિક તાણમાં યુવતીએ ઝેરી દવા ગટગટાવી
જુનીયર ક્લાર્કની પરીક્ષાનું પેપર લીક થતા સમગ્ર રાજ્યમાં ચકચાર મચી ગઈ હતી. જે બાદ પરીક્ષા રદ કરવામાં અવી હતી. આ પરીક્ષા રદ થયા બાદ માનસિક તાણમાં રહેલી ભાવનગરની એક 21 વર્ષીય યુવતીએ આપઘાતનો પ્રયાસ કર્યો હોવાના અહેવાલ મળી રહ્યા છે.
મળતી માહિતી અનુસાર જુનીયર ક્લાર્કનું પેપર લીક થતાં ભાવનગરની યુવતીએ આપઘાતનો પ્રયાસ કર્યો છે. ઘોઘા તાલુકાના હાથબ ગામે રહેતી 21 વર્ષીય યુવતીએ આપઘાતનો પ્રયાસ કરતા યુવતીના પરિવારજનોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું હતું. જુનિયર ક્લાર્ક પરીક્ષાનું પેપર રદ્દ થતા માનસિક રીતે લાગી આવતા યુવતીએ ઝેરી દવા ગટગટાવી હતી. જે બાદ આ યુવતીને સારવાર માટે ભાવનગર સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવી હતી જ્યાં તેની સ્થિતિ ગંભીર હોવાનું કહેવાઈ રહ્યું છે. આ યુવતીને હાલ ICU વોર્ડમાં રાખવામાં આવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, યુવતી છેલ્લા બે વર્ષથી સરકારી પરીક્ષાની તૈયારીઓ કરી રહી હતી.









