- વરાછા-કતારગામ જવેલર્સ એસોસિએશન દ્વારા આયોજિત શોભાયાત્રા
- આ શોભાયાત્રાનું પ્રસ્થાન ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલે કર્યું
- શોભાયાત્રા વરાછા મીની બજારથી કાપોદ્રાના કર્મનાથ મહાદેવ સુધી
અયોધ્યા રામ મંદિર પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવને હવે ગણતરીના કલાકો જ બાકી છે. સમગ્ર દેશમાં ભગવાન શ્રી રામના સ્વાગતની ધામધૂમથી તૈયારીઓ ચાલી રહી છે. ભગવાન શ્રી રામના નામની ધૂન, ભજન-કીર્તન અને જય શ્રી રામના નારા સાથે સમગ્ર દેશમાં રેલીઓ નીકળી રહી છે. કેટલીક શાળાઓમાં વિદ્યાર્થીઓ દ્વારા રંગોળી કરવામાં આવી રહી છે તો કોઈએ ભગવાન શ્રી રામના સ્વાગત માટે સાઈકલ યાત્રા કરી છે, કોઈએ ભગવાન શ્રી રામ મંદિરની સોનાની વીંટી બનાવી છે. આજે દેશમાં રામ નામની લહેર ચાલી રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં આજે દેશમાં ભગવાન રામના સ્વાગતમાં તૈયારીઓ ચાલી રહી છે.
શોભાયાત્રા વરાછા મીની બજારથી કાપોદ્રાના કર્મનાથ મહાદેવ સુધી
આજે સુરત ખાતે ભગવાન શ્રી રામના અયોધ્યા પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવને લઈને રામજીની શોભાયાત્રા નીકાળવામાં આવી હતી. આ શોભાયાત્રાનું આયોજન વરાછા-કતારગામ જવેલર્સ એસોસિએશન દ્વારા કરવામાં આવ્યું હતું. ભગવાન શ્રી રામની ભવ્ય શોભાયાત્રા વરાછા મીની બજારથી નીકળી હતી અને સુરત વરાછાના વિવિધ વિસ્તારોમાં ફરી હતી અને આ ભવ્ય શોભાયાત્રા સુરતના કાપોદ્રા ખાતેના કર્મનાથ મહાદેવ મંદિર ખાતે પૂરી થઈ હતી.
શોભાયાત્રાનું પ્રસ્થાન ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલે કર્યું
ભગવાન શ્રી રામની આ શોભાયાત્રામાં ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલે ખાસ ઉપસ્થિતિ આપીને આ ભવ્ય શોભાયાત્રાનું પ્રસ્થાન કરાવ્યું હતું. આ પ્રસંગે ભાજપ પ્રદેશ અધ્યક્ષે જય શ્રી રામ...જય શ્રી રામના નારા સાથે આ શોભાયાત્રાની શરુઆત કરાવી હતી. આ પ્રસંગે સુરતના વરાછા વિસ્તારમાં નીકળેલી શોભાયાત્રામાં ખૂબ મોટી સંખ્યામાં રામ ભક્તો જોડાયાં હતાં.

વરાછા-કતારગામ જવેલર્સ એસોસિએશન દ્વારા આયોજિત શોભાયાત્રા
સુરતના વરાછા - કતારગામ જવેલર્સ એસોસિએશન દ્વારા આ ભવ્ય શોભાયાત્રામાં અનેક લોકો જોડાયા હતાં. જેમાં ભગવા વસ્ત્રોમાં ભગવાન શ્રી રામ, સીતા મૈયા, લક્ષ્મણજી અને હનુમાનજીની વેશભૂષામાં સજ્જ થઈને લોકો જોડાયાં હતાં. આ સિવાય આ શોભાયાત્રામાં શ્રી રામના નામના ધ્વજ અને ભગવા ધ્વજ સાથે લોકો શોભાયાત્રામાં જોડાયાં હતાં. ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલે ભારતના રાષ્ટ્રધ્વજને ફરકાવીને આ રેલીને પ્રસ્થાન કરાવ્યું હતું. સુરતના લોકોએ માથે ભગવા રંગનો સાફો અને ગળામાં શ્રી રામના નામના મફલર પહેરીને રેલીમાં ભાગ લીધો હતો તેમજ બહેનોએ ભગવા રંગની સાડી અને સાફા પહેરીને ભારતીય સંસ્કૃતિની ઝાંખી કરાવી હતી.









