• જગત મંદિરમાંથી દ્વારકામાં ગોપાલજીનો વરઘોડો નીકળશે
  • રાત્રિના સમયે પરિસરમાં તુલસી વિવાહનો ઉત્સવ ઉજવાશે
  • આજથી વિવાહ અને માંગલિક કાર્યોની શરૂઆત થશે
ગુરૂવાર કારતક સુદ એકાદશીના શુભદિને દ્વારકાધીશ જગત મંદિરમાં ઠાકોરજી તથા તુલસીજીના પરંપરાગત રીતે ધામધૂમ પૂર્વક લગ્ન યોજાશે. સાંજના સમયે ભગવાનના બાલ સ્વરૂપની શોભાયાત્રા બેન્ડવાજા સાથે શહેરના રાજમાર્ગો પર નીકળશે. જ્યારે રાત્રિના સમયે તુલસીજી વિવાહનું આયોજન કરવામાં આવ્યું છે.

આ માટે મોટી સંખ્યામાં સંતો મહંતો અને શહેરના અગ્રણીઓ તેમજ બહોળી સંખ્યામાં વૈષ્ણવો ભક્તો શારદાપીઠમાં ઉમટી પડશે. પૌરાણિક દ્રષ્ટિએ તુલસીપત્ર હેમ એટલે સુવર્ણ એવમ રત્નથી પણ ચડિયાતું છે એટલે જ ભગવાનના ચરણોમાં તુલસીપત્ર અર્પણ કરવાનો મહિમા છે.

દ્વારકાધીશ મંદિરમાં તુલસી વિવાહનું મહત્વ રહ્યું છે, જેમાં દેવતાઓની દિવાળી દેવદિવાળી તરીકે ઓળખાય છે. અષાઢ સુદ અગિયારસથી ભગવાન વિષ્ણુ ચાર માસ માટે શયનમાં જઈ વિશ્રામ કરે છે. બાદ કારતક સુદ 11ના વિશ્રામમાંથી બહાર આવે છે. જેથી પુરાણોમાં આ દિવસને દેવ ઉઠી એકાદશી તરીકે ઓળખવામાં આવે છે.

ઠાકોરજીના બાલ સ્વરૂપનું શાસ્ત્રોત વિધિ અને મંત્રોચ્ચા સાથે તુલસીજી સાથે લગ્ન ઉત્સવ રાત્રે ધામધૂમ પૂર્વક ઉજવણી કરવામાં આવશે. ભગવાન બાલ સ્વરૂપના તુલસી વિવાહ ઉત્સવ દૂર દૂરથી આવતા ભક્તો દર્શન કરી ધન્યતા અનુભવશે. તેમજ આજથી તુલસી વિવાહની સાથે વિવાહ અને માંગલિક કાર્યોની શરૂઆત થાય છે.
  • Follow us on: