• દીપડાના મોઢામાંથી દીકરાને ખેંચી માતા-પિતાએ બચાવ્યો
  • દીપડાએ બાળકના માથામાં ગંભીર ઈજા કરતા રાજકોટ રીફર
  • બે વર્ષનો દીકરો આસીર ઘરની બહાર નીકળી ફળિયામાં રમતો હતો
જૂનાગઢના દોલતપરા વિસ્તારમાં આજે સાંજે 7 વાગ્યાના અરસામાં ઘરના ફળીયામાં રમતા બે વર્ષના બાળકને દીપડાએ મોઢામાં દબોચી ઉઠાવી જવા પ્રયાસ કર્યો પરંતુ માતા-પિતાએ દીપડા સામે બાથ ભીડી બચાવી લીધો. દીપડાના હુમલામાં બાળકની સ્થિતિ નાજુક જણાતા તાકીદે સર્જરી માટે રાજકોટ રીફર કરાયો હતો.

જૂનાગઢના દોલતપરા વિસ્તારમાં કિરીટનગરમાં રહેતા સાહીદભાઈ ઉમરભાઈ સીડાએ જણાવ્યું કે, આજે સાંજના સાતેક વાગ્યાના અરસામાં તેઓ ઘરે હતા અને તેનો બે વર્ષનો દીકરો આસીર ઘરની બહાર નીકળી ફળિયામાં રમતો હતો, ત્યારે અચાનક તેના ઘરની પાંચ ફૂટની વંડી ટપીને દીપડો આવ્યો અને આસીરને મોઢામાં દબોચી લીધો અને મોઢામાં લઈને વંડી કુદવા જતો હતો, ત્યારે સાહીદભાઈ અને તેની પત્નીએ તેના દીકરાના પગ ખેંચીને દીપડાના મોઢામાંથી બચાવી લીધો હતો.

તે અરસામાં દીપડો વંડી કુદીને જંગલ તરફ ભાગી ગયો હતો. દીપડાના હુમલામાં ઘાયલ આસીરને માથામાં પાછળનો આખો ભાગ દીપડાએ મોઢામાં દબોચી લેતા પાછળના વાળ સાથે આખી ચામડી ઉતારી લીધી હતી, જેને લઈને તાકીદે આસીરને લોહીલુહાણ હાલતમાં સારવાર માટે સિવિલ હોસ્પિટલ લાવવામાં આવતા ફરજ પરના તબીબોએ પ્રાથમિક સારવાર આપીને ત્વરિત માથાની સર્જરી કરવા રાજકોટ રીફર કરવો પડે તેવી સલાહ આપતા આસીરને રાજકોટ રીફર કરવા તજવીજ કરવામાં આવી હતી.

સમી સાંજે રહેણાંક વિસ્તારમાં દીપડો ઘુસી આવ્યાની ઘટનાથી દોલતપરા વિસ્તારમાં ફફડાટ ફેલાઈ ગયો છે, સ્થાનિક રહીશોએ જણાવ્યું કે, આ ઘટના પહેલા અનેકવાર વન વિભાગને અહી ફેન્સીંગ કરવા રજૂઆત કરી હતી, કારણ કે, તેમના વિસ્તારથી ગીરનાર જંગલ વિસ્તાર સાવ નજીક હોય અહી દીવાલ કુદીને અનેકવાર દીપડા અનેકવાર દીપડા અને સિંહ લટાર મારવા આવી ચડે છે. પરંતુ આ વખતે હુમલો કર્યો હોય તેવી પ્રથમ ઘટના છે. ઘટનાની જાણ થતા વન વિભાગની ટીમે આવીને દીપડાને પકડવા પાંજરા મુક્યા છે.

ગિરનારના દીપડા બન્યા માનવભક્ષી : 7 દિવસમાં ત્રીજી ઘટના

હાલ તો વન વિભાગની બેદરકારી સામે લોકોમાં રોષ છે, કારણ કે, છેલ્લા સાત દિવસમાં દીપડાના હુમલાનો આ ત્રીજો બનાવ નોધાયો છે, 19 રોજ ભેંસાણના ખાખરા હડમતીયા ગામે દીપડાના હુમલામાં પાંચ વર્ષની બાળકીનું મોત થયું હતું, જયારે પરિક્રમા દરમિયાન તા.૨૪ ના રોજ સવારે બોરદેવી પાસે દીપડાએ 11 વર્ષની બાળકીને ફાડી ખાધી હતી. અચાનક ગીરનારના દીપડાના બાળકો ઉપર વધી રહેલા હુમલાથી ફફડાટ ફેલાયો છે. જેને કાબુમાં લેવા વન વિભાગે એક્શન લેવા પડશે અન્યથા આવનારા દિવસોમાં દીપડા શહેરના અંતરિયાળ વિસ્તાર સુધી પહોંચી જશે.
  • Follow us on: