બારડોલી તાલુકાના તાજપોર બુજરંગ ગામે વારંવાર મરઘા, વાછરડા, બકરાનો શિકાર કરતો દીપડો પાંજરે પુરાયો હતો.
બારડોલી તાલુકાના તાજપોર ગામે ઘરના પાંજરામાંથી ઘણા દિવસથી કોઈ પ્રાણી મરઘાનો શિકાર કરી જતું હોવાનું જાણી જનકભાઈએ પાંજરા પાસે રાખોડો નાખ્યો હતો. ગઈ કાલે સવારે રાખોડા પર કોઈ વન્યજીવના પગમાર્ક જોવા મળતા જનકભાઈએ ગામના સરપંચ રાહુલભાઈ કોંકણીને જાણ કરી હતી. રાહુલભાઈએ ફ્રેન્ડ્સ ઓફ એનિમલ્સ વેલફેર ટ્રસ્ટના પ્રમુખ જતીન રાઠોડને પગમાર્કના ફોટા મોકલતા જતીન રાઠોડે દીપડાના પગમાર્ક હોવાનું જણાવ્યું હતું. ત્યારબાદ તેના સામાજિક વનીકરણ રેંજના આર.એફ.ઓ. સુધાબેન ચૌધરીને પાંજરુ મૂકવા જણાવતા રાત્રીના 8 વાગ્યે જનકભાઈના ઘર પાસે મારણ સાથે પાંજરુ મૂકવામાં આવ્યું હતું. રાત્રીના 3:3પ એ મરઘા ખાવાની લાલચમાં બે વર્ષનો દીપડો પાંજરે પુરાયો હતો. પાંજરું બંધ થવાનો અવાજ આવતા જનકભાઈએ ઘરની બહાર આવી જોતાં દીપડો પકડાયાનું માલૂમ પડયું હતું. વન કર્મચારીઓ દીપડાને તેના સામાજિક વનીકરણ રેંજ ઓફિસે લઈ ગયા હતા. ઉપલા અધિકારીના માર્ગદર્શન મુજબ દીપડામાં ચિપ નાખી સેરુલાના જંગલ વિસ્તારમાં છોડવામાં આવશે.










