• તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી વેપારીને મોતને ઘાટ ઉતારી દીધો
  • 63 વર્ષીય આધેડ પ્રકાશ રેલીયા નામના વેપારીની હત્યા કરાઈ
  • ઘરેથી નીકળી ડાયમંડ ચોકમાં આવેલી પેપર એજન્સીએ જઈ રહ્યા હતા

ભાવનગર શહેરના સુભાષનગરમાં રહેતા અને ડોન ચોકમાં પેપરની એજન્સી ધરાવતા અખબાર વિતરક આજે વહેલી સવારના અરસા દરમિયાન પોતાની દુકાન તરફ ચાલીને આવી રહ્યા હતા. ત્યારે શાશ્વત ફ્લેટના ખુણા પાસે બાઈક ઉપર આવેલા બે શખ્સ તેઓને આંતરી છરીના ધડાધડ ઘા ઝીંકી દઈ કરપીણ હત્યા કરી નાસી છુટ્યા હતા.

રક્ત રંજીત ઘટનાના પગલે ભારે ચકચાર મચી જવા પામી

વહેલી સવારે સરાજાહેર બનેલી રક્ત રંજીત ઘટનાના પગલે ભારે ચકચાર મચી જવા પામી હતી. અને પોલીસ કાફલો ઘટના સ્થળ પર દોડી આવ્યો હતો. હત્યાનો બનાવ પૈસાની લેતી દેતીના મામલે ઘટવા પામ્યો હોવાનુ પ્રાથમિક તપાસ દરમિયાન બહાર આવ્યું હતું. જ્યારે ખુની ખેલ ખેલી બે શખ્સો પલાયન થઈ ગયા હતા. ચક્ચારી બનાવની જાણવા મળતી વિગતો અનુસાર ભાવનગર શહેરના સમાપનગર સ્થિત કમલ ફ્લેટમાં રહેતા અને ડોન ચોકમાં ટક્કર એજન્સી ધરાવતા તેમજ જીએમડીસીના નિવૃત કર્મચારી પ્રકાશભાઈ લાલભાઈ રેલીયા આજે વહેલી સવારના 6.30 કલાકના અરસા દરમિયાન પોતાના ઘરેથી અખબારની એજન્સીએ આવી રહ્યા હતા. ત્યારે ડોનચોકમાં આવેલા શાશ્વત ફ્લેટના નાકા પાસે પહોંચતા બાઈક પર તિક્ષ્ણ હથીયારો સાથે ઘસી આવેલા બે શખ્સ અખબારી વિતરકને આંતરી જીવલેણ હુમલો કરી ધડાધડ છરીના ઘા ઝીંકી કરપીણ હત્યા કરી નાખી બાઈક ઉપર ફરાર બન્યા હતા.

ફરાર હત્યારા શખ્સોને ઝડપી પાડવા ચક્રોગતિમાન કર્યા

દરમિયાન સ્થાનિક લોકોએ 108ને ફોન કરતા આવી પહોચી હતી. પરંતુ વિતરકે પોતાનો જીવ ગુમાવી દેતા પરત ફરી હતી. વહેલી સવારે લોકોની ચહલ પહલ વચ્ચે સરાજાહેર ખુની ખેલ ખેલાતા ભારે ચકચાર મચી જવા પામી હતી. અને ઘોઘારોડ પોસ્ટેના પીઆઈ સહીતનો સ્ટાફ ઘટના સ્થળ પર દોડી આવ્યો હતો અને મૃતક પ્રકાશભાઈના મૃતદેહને પીએમ અર્થે ભાવનગર સર.ટી. હોસ્પિટલ ખસેડવાની તજવીજ કરી હતી. જ્યારે પોલીસે સ્થાનિક દુકાનોમાં લગાવાયેલા સીસીટીવી કેમેરાની ચકાસણી કરતા એક સીસીટીવી કેમેરામાં ખૂની ખેલ ખેલાત કેદ થવા પામ્યો હતો. જેમાં નિર્દયતાથી બે શખ્સ છરી જેવા હથીયારથી હુમલો કરી રહ્યાનું જોવા મળ્યું હતું. ઉક્ત રક્ત રંજીત ઘટના પૈસાની લેતી દેતીના મામલે ઘટી હોવાનું પ્રાથમિક તપાસ દરમિયાન સામે આવ્યું હતું. જ્યારે બનાવ અનુસંધાને ઘોઘારોડ પોલીસે હત્યાની કલમ તળે ગુનો દાખલ કરી ફરાર હત્યારા શખ્સોને ઝડપી પાડવા ચક્રોગતિમાન કર્યા હતા.


  • Follow us on: