જૂનાગઢના કેશોદ તાલુકામાં ખેતરના શેઢા બાબતે બે પાડોશી વચ્ચે ખૂની ખેલ ખેલાયો છે, જેમાં 62 વર્ષના વૃદ્ધનું મોત થતા પોલીસ ઘટના સ્થળે પહોંચી છે. એક જ સમાજના બે પરિવારો વચ્ચેની આ માથાકૂટ થતા મારામારી થઈ હતી, જેમાં એક વૃદ્ધે પોતાનો જીવ ગુમાવ્યો છે.
એક વૃદ્ધ ખેડૂતનું મોત નિપજ્યું
જૂનાગઢના કેશોદ તાલુકાના પાણખાણ ગામે ખેતરના શેઢા બાબતે બે પાડોશીઓ વચ્ચે ઝઘડો થયો હતો. એક જ સમાજના બે પરિવારો વચ્ચેની આ માથાકૂટ થતા મારામારી થઈ હતી. જેમાં એક વૃદ્ધ ખેડૂતનું મોત નિપજ્યું છે. જ્યારે 5 લોકોને ઈજાઓ પહોંચતા લોહી લુહાણ હાલતમાં હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આજે સવારે આ માથાકૂટમાં ગાંગડા પરિવારના 65 વર્ષીય પીઠરામ રાયમલ ગાંગણા નામના વૃદ્ધનું મોત થયું છે.
બંને પક્ષોની ફરિયાદના આધાર પર કાર્યવાહી હાથ ધરવામાં આવી
આ ઘટના બાદ તમામ ઈજાગ્રસ્તોને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ મારફતે કેશોદની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાંથી બે લોકોને ગંભીર હાલતમાં વધુ સારવાર માટે જુનાગઢ રિફર કરવામાં આવ્યા છે. શેઢાને લઈને જૂનો વિવાદ ચાલતો હતો, જેના પગલે આજે બંને પરિવારો વચ્ચે ઉગ્ર વાદવિવાદ થયો હતો. જે બાદ ઝઘડો મારામારીમાં ફેરવાઈ ગયો હતો. પોલીસે ઘટનાસ્થળે કડક બંદોબસ્ત ગોઠવી દીધો છે અને હાલ બંને પક્ષોની ફરિયાદના આધાર પર કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. હાલ તો ઈજાગ્રસ્તોની સારવાર ચાલી રહી છે અને પોલીસ દ્વારા સમગ્ર મામલે વધુ તપાસ શરૂ કરવામાં આવી છે અને જે પણ દોષિત જણાશે તેની સામે કાનૂની કાર્યવાહી કરવામાં આવશે.