- એજન્સીને કામ સોંપાયુ : સફળતા મળશે તો 10 વર્ષનો કોન્ટ્રાક્ટ કરાશે
- સ્ટ્રીટ લાઇટનો પ્રશ્ન 24 કલાકમાં સોલ્વ કરવાનો એજન્સીએ દાવો કર્યો છે
- ગાંધીનગરમાં સ્ટ્રીટ લાઇટના વીજ વપરાશથી લઇને તેના મેન્ટેનન્સનો પ્રશ્ન
ગાંધીનગરમાં સ્ટ્રીટ લાઇટના વીજ વપરાશથી લઇને તેના મેન્ટેનન્સનો પ્રશ્ન છે. આ પ્રશ્નના નિરાકરણ માટે મનપાએ એક એજન્સીને કામ સોંપાયુ છે. આ એજન્સી દ્વારા પાયલોટ પ્રોજેક્ટ અંતર્ગત શહેરના અમુક વિસ્તારમાં સ્ટ્રીટ લાઇટના પોલ ઉભા કરવામાં આવ્યા છે. જેનું સંચાલન એજન્સી દ્વારા જ કરવામાં આવી રહ્યુ છે. ટુંક સમયમાં આ પાયલોટ પ્રોજેક્ટ અંતર્ગત મુલ્યાંકન કરીને તેનો રિપોર્ટ તૈયાર કરવામાં આવશે. જો એજન્સીના દાવા પ્રમાણે વીજ વપરાશમાં 30 ટકાનો ઘટાડો જોવા મળશે તો મનપા આ એજન્સી સાથે દસ વર્ષનો કોન્ટ્રાક્ટ કરશે.
અત્યારે શહેરમાં ઘણા વિસ્તારોમાં સ્ટ્રીટ લાઇટો નવી નાખ્યા બાદ પણ તે ચાલુ નહી હોવાની વ્યાપક ફરિયાદો છે. આ ઉપરાંત સ્ટ્રીટ લાઇટનું તોતિંગ વીજબીલ પણ તિજોરી પર અસર પહોંચાડી રહ્યુ છે. આ સ્થિતીમાં વીજવપરાશ ઘટે અને સ્ટ્રીટ લાઇટનું મેન્ટેનન્સની સમસ્યા હલ થાય તે જરૂરી છે. આ માટે ઇ-સ્માર્ટ નામની એજન્સીએ આ સમસ્યાના નિરાકરણનો દાવો કર્યો છે. આ મામલે સ્થાયી સમિતી ચેરમેન જસવંત પટેલે જણાવ્યુકે, આ એજન્સી વીજ વપરાશમાં 30 ટકા ઘટાડાનો દાવો કર્યો છે. એજન્સી સ્ટ્રીટ લાઇટ પોલમાં એલઇડી બલ્બનો ઉપયોગ કરશે. તેના દાવા પ્રમાણે અત્યારે શહેરમાં કેટલાક સ્થળોએ પાયલોટ પ્રોજેક્ટ અંતર્ગત સ્ટ્રીટ લાઇટના પોલ ઉભા કરવામાં આવ્યા છે. જેનુ મોનિટરીંગ કરવામાં આવી રહ્યુ છે. જો આગામી દિવસોમાં એજન્સીના દાવા પ્રમાણે વીજવપરાશમાં 30 ટકા સેવિંગ થશે તો આ એજન્સી સાથે દસ વર્ષનો કોન્ટ્રાકટ કરવામાં આવશે. ઉલ્લેખનીય છેકે, આ એજન્સીએ સોફ્ટવેર પણ વિકસાવ્યુ છે. જેમાં કઇ જગ્યાએ સ્ટ્રીટ લાઇટ બંધ છે, ક્યારે બંધ થઇ સહિતની તમામ રેકોર્ડ ઉપલબ્ધ થશે. એજન્સીએ આ સોફ્ટવેરની મદદથી સ્ટ્રીટ લાઇટની સમસ્યા ચોવીસ કલાકમાં ઉકેલવાની પણ ખાતરી આપી છે.










