કડી પોલીસ મથકના કર્મચારીઓને બાતમી મળી હતી કે તાલુકાના અલદેસણ ગામે રહેતા ઠાકોર કુંદન અમરતજી વિદેશી શરાબનો વેપલો કરી રહ્યો છે.


જેના આધારે કડી પોલીસે અલાદેસણ ગામે રેડ કરતા ભેમ તલાવડી પાસેથી ઠાકોર કુંદન અમરતજીના એક્સેસની ડેકીમાંથી 4 નંગ વિદેશી શરાબની બોટલો મળી આવી હતી. પોલીસ કર્મચારીએ મુદ્દામાલ જપ્ત કરી કડી પોલીસ મથકે લઈ જવા નીકળ્યા હતા. તે સમયે બુટેલગરના સાગરીતો બુટલેગરને બચાવવા દોડી આવ્યા હતાં. પરંતુ કડી પોલીસ કર્મચારી પોતાનું ખાનગી બાઇક લઈ ગયો હોવાથી પોતાનું વાહન ઘટના સ્થળે મૂકી બુટલેગર સાથે બુટલેગરના વાહન ઉપર કડી પોલીસ મથકે જવા રવાના થયા હતા.

કડી પોલીસ કર્મચારી વિજયકુમાર હરેશભાઈ પરમાર કડી પોલીસ મથકે ફરજ ઉપર હાજર હતા ત્યારે તેમને બાતમી મળી કે અલદેસણ ગામે ભેમ તલાવડી પાસે મુકેલુ બાઇક બુટલેગરના સાગરીતો તોડફેડ કરી પેટ્રોલ છાંટી સળગાવવાનો પ્રયાસ કરે છે. જેથી કડી પોલીસ કર્મચારીઓ તાત્કાલિક સ્થળ ઉપર પહોંચતા ટોળું પોલીસને જોઈ ભાગવાનો પ્રયાસ કરતા પોલીસે ઠાકોર વાસુદેવ દાનસંગજી, ઠાકોર કિશનજી દશરથજી, ઠાકોર સાગરજી ભીખાજી, ઠાકોર જયપાલ અમરતજી, ઠાકોર વિક્રમજી પ્રવીણજી તમામ રહે ઠાકોરવાસ અલદેસણ ઝડપાઈ ગયા હતા. જ્યારે ઠાકોર વિપુલજી બચુજી ભાગી છૂટયો હતો. પોલીસે તમામ સાગરીતોને ઝડપી કડી પોલીસ મથકે લાવી કડી પોલીસ મથકના કર્મચારીનું ખાનગી બાઇક કિંમત રૂ.50,000નું સળગાવી નુકસાન કરવા બાબતે ફરીયાદ નોંધાવી હતી.


  • Follow us on: