- રોજબરોજની કોઈ જ તાકીદની કામગીરી ચાલતી ન હોવાની રજૂઆત
- વચગાળાની નિમણૂકની માગ
- હાઈકોર્ટે સરકારનો જવાબ માંગ્યો
ગુજરાત રાજય વકફ્ બોર્ડમાં હાલ કાયમી સભ્યો સહિતના પદાધિકારીઓની સરકાર દ્વારા નિમણૂંક નહી થઇ હોવાથી રોજબરોજની કે કોઇ તાકીદની અરજન્ટ કામગીરી ચાલતી નહી હોવાથી વચગાળાની વ્યવસ્થાના ભાગરૂપે યોગ્ય પદાધિકારીઓની નિમણૂંક કરવા દાદ માંગતી પીઆઇએલ ગુજરાત હાઇકોર્ટમાં થઇ છે. જેની સુનાવણીમાં હાઇકોર્ટે રાજય સરકાર પાસે આ મુદ્દે જવાબ માંગ્યો છે. જાહેરહિતની રિટ અરજીમાં એ મતલબની રજૂઆત કરવામાં આવી હતી કે, અગાઉ ગુજરાત રાજય વકફ્ બોર્ડમાં ચેરમેન, સભ્યો સહિતની નિમણૂંકો યોગ્ય રીતે અને કાયદાકીય પ્રક્રિયા અનુસાર નહી થઇ હોવાથી ગંભીર ફરિયાદ ઉઠી હતી અને આ મામલે અગાઉ હાઇકોર્ટમાં પીઆઇએલ પણ દાખલ કરવામાં આવી હતી, જેથી ખુદ રાજય સરકાર દ્વારા જ તા.31-1-2022ના રોજ ગુજરાત રાજય વકફ્ બોર્ડને વિખેરી નાંખવામાં આવ્યું હતું., ત્યારથી વકફ્ બોર્ડમાં ચેરમેન, સભ્યો સહિતની કાયમી નિમણૂંક નહી થઇ હોવાથી વકફ્ને લગતી કામગીરી અને સુનાવણી ખોરંભે પડી હતી. ખાસ કરીને તાકીદના કામો અને અરજન્ટ સુનાવણી હાથ ધરી શકાતી નથી, જેને લઇ વકીલો-પક્ષકારોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.










