- આબુ રોડ પર ટ્રકે મારી પલટી
- પથ્થર ભરેલા હાઈડ્રોલિક ટ્રકને થયું નુકસાન
- પથ્થર નીચે દબાતા ફોર્ચ્યુનર સહિત 3 ગાડીઓને હાનિ
અંબાજી પાસેથી એક ગંભીર દુર્ઘટના બની હોવાના સમાચાર સામે આવ્યા છે. અહીં માહિતી પ્રમાણે આબુ રોડ પાસે છાપરી પાસે બે ગાડીઓ પર પથ્થરો પડતા અકસ્માત સર્જાયો હતો. આ બનાવમાં 2 લોકોને ગંભીર રીતે ઈજા પહોંચી હોવાના અહેવાલ છે. હાલ અંબાજી પોલીસે આ દુર્ઘટનાની તપાસ આરંભી છે.
પવિત્ર યાત્રાધામ અંબાજી પાસે એક મોટી દુર્ઘટનાના અહેવાલ છે. માહિતી પ્રમાણે અહીં આબુરોડ પર છાપરી પાસેના વળાંકમાં આ દુર્ઘટના બની હોવાની જાણકારી સામે આવી છે. એક પથ્થર ભરેલી હાઈડ્રોલિક ટ્રક પલટી ખાઈ ગઈ હતી. જેના લીધે આ પથ્થરો નીચે એક ફોર્ચ્યુનર કાર દબાઈ ગઈ હતી. જેનાથી આ કારને મોટું નુકસાન થયું હોવાનું સામે આવ્યું છે. આ ઉપરાંત આ ટ્રકના પથ્થરો અન્ય બે ગાડીઓ પર પણ જઈ પડ્યા હતા, જેનાથી અન્ય 2 ગાડીઓને પણ મોટું નુકસાન થયું હોવાની જાણકારી મળી હતી.
માહિતી પ્રમાણે આ દુર્ઘટનાના લીધે અંબાજી આબુરોડ પર ટ્રાફિક વ્યવહાર ખોરવાઈ ગયો હતો. પથ્થર ભરેલી ટ્રકે પલટી ખાતા અને અન્ય 3 ગાડીઓને નુકસાન થતાં અકસ્માત સર્જાયો હતો જેમાં ટ્રાફિક જામના દૃશ્યો સામે આવ્યા હતા. મહત્વનું છે કે આબુરોડ એ ઉત્તર ગુજરાતનો એક અતિમહત્વનો અને અતિ વ્યસ્ત ગણી શકાય તેવો રોડ છે. જેના લીધે અહીં નાની અમથી દુર્ઘટના પણ બને તો ટ્રાફિક જામ સર્જાતો હોય છે. આ દુર્ઘટનાના લીધે લોકોને ટ્રાફિક વ્યવહારમાં મુશ્કેલી પડી હતી.
આ મામલે વધુ માહિતી પ્રમાણે આ દુર્ઘટનામાં 2 લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. જેમને વધુ સારવાર માટે તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ દ્વારા નજીકની હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા અને તેમની સારવાર ચાલુ કરી દેવામાં આવી હતી. આ બંને ઘાયલો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયું હોવાનું સામે આવ્યું છે. જો કે આ દુર્ઘટનામાં મોટી રાહતની વાત એ છે કે હજુ સુધી કોઈ પણ જાનહાનિના સમાચાર સામે આવ્યા નથી. આ ઉપરાંત આ મામલે અંબાજી પોલીસને સૂચના મળતાં જ તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવી હતી અને પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. પોલીસે પણ આ મામલે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી આગળની તપાસ હાથ ધરી છે.









