• મુખ્યમંત્રીનું તાલુકા-જિલ્લા સ્વાગત કાર્યક્રમમાં પ્રો-એક્ટિવ અભિગમ અપનાવવા સૂચન
  • જુલાઈના સ્વાગત કાર્યક્રમમાં 59 ટકા પ્રશ્નોનું નિવારણ કરાયું
  • મુખ્યમંત્રીએ કામગીરીની સમીક્ષા કરી અધિકારીઓને સૂચનો કર્યા

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સ્વાગત કાર્યક્રમમાં તાલુકા અને જિલ્લા સ્તરે આવતી પ્રજાજનો-નાગરિકોની રજૂઆતોનું સ્થાનિક સ્તરે જ નિવારણ લાવવાનો પ્રો-એક્ટિવ અભિગમ અપનાવવા જિલ્લા અને તાલુકા તંત્ર વાહકોને સૂચન કર્યું છે. આ સંદર્ભમાં તેમણે સ્પષ્ટપણે જણાવ્યું કે, જિલ્લા-તાલુકામાં સ્વાગત કાર્યક્રમમાં લાંબા સમય સુધી લોકોની રજૂઆતોનો ઉકેલ ન આવે અને તેમને તે માટે રાજ્ય સ્વાગત કાર્યક્રમ સુધી આવવું પડે છે તેવી પરિસ્થિતિ નિવારવી જરૂરી છે.

મુખ્યમંત્રીએ સ્વાગત કાર્યક્રમની કામગીરીની સમીક્ષા કરી

મુખ્યમંત્રીએ ગાંધીનગરમાં જુલાઈ-2024 મહિનાના સ્વાગત કાર્યક્રમમાં ઓનલાઇન મળેલી રજૂઆતો-પ્રશ્નોના નિવારણ માટે જિલ્લાતંત્રોને માર્ગદર્શન આપતા આ સૂચનો કર્યા હતા. તેમજ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તાલુકા મામલતદારોની તાલુકા સ્વાગત કાર્યક્રમની કામગીરીની સમીક્ષા પણ હાથ ધરી હતી.


જુલાઈ-2024ના સ્વાગત કાર્યક્રમમાં 2538 રજૂઆતો મળી

જુલાઈ-2024ના આ સ્વાગત કાર્યક્રમમાં રાજ્ય, જિલ્લા અને તાલુકા સ્વાગત કાર્યક્રમમાં કુલ મળીને 2538 રજૂઆતો આવી હતી. જેમાંથી 59 ટકા એટલે કે 1495 રજૂઆતોનું નિરાકરણ કરવામાં આવ્યું છે. ગુરૂવારે રાજ્ય સ્વાગત કાર્યક્રમમાં મહેસુલ, પંચાયત, શહેરી વિકાસ, પોલીસ અને માર્ગ મકાન વિભાગને સ્પર્શતી રજૂઆતો આવી હતી.

મુખ્યમંત્રીએ સમસ્યાઓના નિવારણ માટે દિશાનિર્દેશન આપ્યા

મુખ્યમંત્રી ભૂપેન્‍દ્ર પટેલે આ રજૂઆતો રજૂઆતકર્તાઓ પાસેથી વિગતવાર સમજીને તેના ત્વરિત નિવારણ માટે તેમણે સંબંધિત વિભાગોના સચિવો અને સંબંધિત જિલ્લા-શહેરી તંત્રવાહકોને દિશાનિર્દેશ આપ્યા હતા. સંબંધિત રજૂઆતકર્તાઓએ પણ આ અંગે સંતોષની લાગણી વ્યક્ત કરી હતી.

આ કાર્યક્રમમાં વરિષ્ઠ અધિકારીઓ જોડાયા

આ સ્વાગત કાર્યક્રમમાં મુખ્યમંત્રીના અધિક મુખ્ય સચિવ પંકજ જોષી, સચિવ શ્રીમતી અવંતિકા સિંઘ, ખાસ ફરજ પરના અધિકારી ધીરજ પારેખ અને સંબંધિત વિભાગોના વરિષ્ઠ અધિકારીઓ જોડાયા હતા.