• વિરમગામના યુવાનનું મોત

  • કેનાલમાં પડી જવાથી ડૂબી ગયો
  • પોલીસે તપાસ હાથ ધરી

અમદાવાદના વિરમગામના એક યુવાનનો સેલ્ફીના શોખે જીવ લઈ લીધો હોવાની ઘટના સામે આવી છે. નર્મદા કેનાલ પાસે યુવકનો પગ લપસતા તે નર્મદા કેનાલમાં પડી ગયો હોવાનું સામે આવ્યું હતું જેના લીધે યુવાનનું મોત થયું હોવાનું જાણવા મળ્યું છે.

સેલ્ફીનો શોખ ઘણીવાર કેટલો મોંઘો પડી શકે છે તે આ ઘટનાથી સમજી શકાય તેમ છે. ખાસ કરીને એવા લોકોના પરિવારજનો માટે આ કિસ્સો ખૂબ જ ચેતવણી સમાન છે જેમને વારેઘડીએ સેલ્ફી લેવાનો ગાંડો શોખ હોય છે. હકીકતે વિરમગામનો એક યુવાન તેના નાના ભાઈ સાથે ઘરેથી કોઈને કહ્યા વગર જ નીકળી ગયો હતો. આ દરમિયાન તે ચોકલી નર્મદા મેઈન કેનાલ પાસે ફોટો પડાવી રહ્યો હતો ત્યારે તેનો પગ લપસતા કેનાલમાં જઈ પડ્યો હતો. જેના પગલે યુવાનનું પાણીમાં ડૂબી જતાં મોત નિપજ્યું હતું, આ ઘટનાની જાણકારી મૃતક ઠાકોર યુવાનના નાના ભાઈ દ્વારા તેના પરિવારજનોને આપવામાં આવી હતી.

[[$googlead]]

આ ઘટનાની જાણ પછી મૃતક યુવકના પરિવારજનોને થતા તેમણે યુવાનની શોધખોળ આદરી હતી. જેમાં લખતર તાલુકાના ઢાંકી ગામ પાસે આવેલી સૌરાષ્ટ્ર શાખાના કોમ્બિંગ સ્ટેશન વન પાસે આવેલ સાતનાળામાંથી યુવકની લાશ તરતી મળી આવી હતી. લાશ મળી આવતા તત્કાળ સ્થાનિક પોલીસને જાણ કરવામાં આવી હતી, જેના પગલે પોલીસ સ્ટાફ ઘટનાસ્થળે અને સિવિલ હોસ્પિટલ ખાતે આવી પહોંચ્યો હતો અને તપાસ હાથ ધરી હતી. યુવાનની લાશ પાણીમાં રહી ગયેલી હોવાથી ડીકંપોઝ થઈ ગઈ હતી જેના લીધે વાતાવરણમાં દુર્ગંધ ફેલાઈ હતી.

[[$alsoread]]

આ મામલે સૂત્રોએ જણાવેલી માહિતી અનુસાર એક જાણકારી એવી પણ સામે આવી છે કે યુવાને કોઈ અંગત કારણોસર કેનાલમાં ઝંપલાવ્યું હોવાની સંભાવના પણ છે, કેમ કે તે ઘરે કોઈને પણ જાણ કર્યા વગર જ બહાર નીકળી ગયો હતો અને માત્ર નાનાભાઈને પોતાની સાથે લઈ ગયો હતો. આ મામલે જો કે વધુ જાણકારી તો પોલીસ તપાસ પછી જ સામે આવી શકે તેમ છે.


  • Follow us on: