- પીએમ મોદીના જીવન પરનું અનોખું પુસ્તક મોદી @ 20 પુસ્તક
- પુસ્તકમાં કંડારાયેલ છે વડનગર થી વડાપ્રધાન સુધીના અનુભવો
- દેશના 21 ખ્યાતનામ વ્યક્તિઓએ અનુભવોના આધારે પુસ્તકની રચના
પાટણ ખાતે આવેલ હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના કન્વેન્શન હૉલ ખાતે આજે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીના જન્મદિવસ નિમિતે તેમના કાર્યકાળ દરમ્યાન વડનગરથી વડાપ્રધાન સુધીના અનુભવો દેશના 21 ખ્યાતનામ વ્યક્તિઓએ અનુભવોના આધારે મોદી @ 20 પુસ્તક લખ્યું છે. જે પુસ્તકનો સારાંશ આજે GPSCના પૂર્વ ચેરમેન ડૉ. દિનેશ દાસા અને પૂર્વ ઉપકુલપતિ ડૉ. જગદીશ ભાવસાર દ્વારા વિદ્યાર્થીઓ સુધી પહોંચાડવામાં આવ્યો હતો.

આ પ્રસંગે યુનિવર્સિટીના કુલપતિ પ્રો. જે. જે. વોરા, રજીસ્ટાર ડૉ. રોહિત દેસાઇ, કારોબારી સભ્યો શૈલેશભાઈ પટેલ, ડૉ. અશોક શ્રોફ, કનુભાઈ સહિત વિવિધ ફેકલ્ટીના અધ્યાપક વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા .આ પ્રસંગે યુનિવર્સિટીના કુલપતિ પ્રો જે જે વોરાએ જણાવ્યું હતું કે, આ પુસ્તક કારકિર્દી ઘડતા યુવા વિદ્યાર્થીઓ અને અધિકારી બનવાનું સ્વપ્ન સેવતા પરીક્ષાર્થીઓ માટે ઉપયોગી બનશે. પ્રધાનમંત્રીની નજીક રહેલા અને તેમની કાર્યશૈલીથી વાકેફ 21 વ્યક્તિઓ દ્વારા આ પુસ્તક તૈયાર થયું છે.

આ પ્રસંગે ગુજરાત યુનિવર્સિટીના પૂર્વ ઉપકુલપતિ ડૉ. જગદીશ ભાવસારે જણાવ્યું હતું કે, આ પુસ્તક પાંચ વિભાગમાં વિભાજિત કરી શકાય પુસ્તકની પ્રસ્તાવના ભારત રત્ન લતા મંગેશકરજીએ લખી હતી. પુસ્તકમાં ગુજરાત અને ભારતને “કલ્યાણ રાજ્ય” બનાવવાની દિશામાં પ્રધાનમંત્રીએ જે કામ કર્યું છે તે આંકડા સાથે વર્ણવ્યું છે.
સાથે સાથે કાર્યક્રમના મુખ્ય વક્તા ડૉ. દિનેશ દાસાએ પોતાના વક્તવ્યમાં જણાવ્યું હતું કે ભારતને 2047માં વિકસિત રાષ્ટ્ર બનાવવામાં યુવાનોની ભૂમિકા મહત્વની રહેશે. ત્યારે આ પુસ્તકમાં મેક ઇન ઈન્ડિયા, મુદ્રા યોજના, જ્યોતિ ગ્રામ યોજના, આત્મનિર્ભર ભારત, સ્ટાર્ટ અપ થી લઈ ડિજિટલ ઈન્ડિયા, ગુડ ગવર્નન્સ સહિતની બાબતો પર પ્રકાશ પાડવામાં આવ્યો છે. એટલે યુવાનો માટે સંપૂર્ણ પ્રેરણાદાયી બાબતો મૂકવામાં આવી છે.