- ATMને તોડફોડથી રૂપિયા 1.50 લાખનું નુકસાન
- પોલીસને જાણ થતા પોલીસ ઘટનાસ્થળે
- પોલીસે ગુનો નોંધી આરોપીની અટક કરી
લિંબાયતમાં બેંકના ATMમાં લાખોની ચોરી કરવાના ઇરાદે ઘૂસી તોડફોડ કરતો ચોર રંગેહાથ પકડાયો હતો. હાઇટેક સેન્સર સિસ્ટમને કારણે એલર્ટ મેસેજ મળતા કંપનીએ પોલીસને જાણ કરી હતી અને ચોર આબાદ પકડાઇ ગયો હતો.
મળતી વિગતો પ્રમાણે સૈયદપુરા પંપિગ સ્ટેશન પાસે ઉભી શેરીમાં રહેતા પરેશકુમાર અશોકભાઇ સાગર (45) એએસજી કંપનીમાં સિનિયર એક્ઝિક્યુટિવ છે. કંપનીની મુખ્ય ઓફિસ નવી મુંબઇ ખાતે આવેલી છે. તેમની કંપનીને બેંકો દ્વારા એટીએમ સર્વિસ માટે કોન્ટ્રાક્ટ આપવામાં આવે છે. એટીએમ રિપેરિંગ અને સર્વિસિંગનું કામ તેમની કંપનીનું હોય છે. એટીએમમાં લાગેલા CCTV કેમેરા અને સેન્સર લગાવેલા હોય છે.
દરમિયાન સુરતમાં ખાનગી બેંકના ATMમાં એએસજી કંપની દ્વારા ફીટ કરવામાં આવ્યા છે. ખાનગી બેંકની મુખ્ય ઓફિસ અઠવાલાઇન્સ ખાતે આવેલી છે. ગત બુધવારે મધરાત્રે 2.10 વાગ્યાથી 2.40 વાગ્યા દરમિયાન લિંબાયતમાં નીલગીરી ખાતે મયુર સોસાયટીમાં આવેલી ખાનગી બેંકનું ATM મશીન તોડવાની કોશિશ થઇ હતી. એલાર્મ સિસ્ટમના કારણે મુંબઇ સ્થિત એએસજી કંપનીને જાણ થઇ ગઇ હતી. જેથી સુરતની ઓફિસમાં મેસેજ પાસ ઓન કરાયો હતો. પોલીસ કંટ્રોલને પણ આ અંગે જાણ કરાતા કંપનીનો સ્ટાફ અને લિંબાયત પોલીસ તુરંત સ્થળ પર પહોંચી ગઇ હતી.
પોલીસે રંગેહાથ ચોરીના ઇરાદે ATMમાં ઘૂસેલા પ્રિતેશ ઉર્ફે સોનુ શંકર શિંદે (રહે- રંગીલાનગર, લિંબાયત)ને પકડી પાડયો હતો. આરોપી પ્રિતેશ ATMમાં વ્યાપક તોડફોડ કરતા 1.50 લાખનું નુકશાન થયું હતુ. પ્રિતેશ આગઉ મારામારીના ગુનામાં પકડાઇ ચૂક્યો છે. મોટો હાથ મારવાના ઇરાદે તેને એટીએમ તોડવાનો પ્રયાસ કર્યો હતો. લિંબાયત પોલીસે ગુનો નોંધી આરોપીની અટક કરી હતી.